Friday, December 28, 2007

ઇન્સાન જોયાં છે !

અધિક્તર આંખમાં તોફાન જોયાં છે
અને,એ આંખ આડા કાન જોયાં છે !

ખુલાસા ક્યાં કરે છે કોઈ,ભીતરનાં ?
ઉપરછલ્લાં અધુરાં જ્ઞાન જોયાં છે

નથી રહી માતબર સંખ્યા,કબૂલું છું
નહીંતર,દોસ્ત જીગરજાન જોયાં છે !

હકીકત સ્પષ્ટ થઈ કે,ક્યાંક છે ઈશ્વર
અમે આ જ્યારથી ઇન્સાન જોયાં છે !

વિકસતાં હોય છે સંબંધ,આડશ લઇ
છતાં જાહેરમાં,અન્જાન જોયાં છે !

અલગ છે કે,નથી પૂરાં થયાં સઘળાં
અમે પણ સ્વપ્ન,જાજરમાન જોયાં છે !

નથી શીખતાં મનુષ્યો ભૂલમાંથી કઈં
ઘણાનાં તૂટતાં ગુમાન જોયાં છે !


-ડૉ.મહેશ રાવલ

Tuesday, December 25, 2007

કહેવાય નહી

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં


- અમૃત ઘાયલ

સ્મરણ

તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.

- ડોરથી લાઈવસે.
કેનેડા.

પ્રેમ અને પુસ્તક

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

- સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

દુહા

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;


એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;


રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;


આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;


સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.


-ચિનુ મોદી

Sunday, December 23, 2007

શહેર માં

નીકળ્યો સહેજ લટાર મારવા પત્થરો ના શહેર માઁ,
ઝાકઝમાળ ને જાજરમાન ઇમારતો ના શહેર માઁ,

દેખાતી દૂર થી અતી સુન્દર, થયુઁ મન પ્રસન્ન,
લાવ જોઉઁ જરા સમીપ જઈને, થયુઁ એવુ મન,

ગયો જ્યાઁ નજીક , ત્યાઁ વરતાઈ ઈમારતો વાઁકીચુકી,
ધબકાર ચુકી ગયુઁ દીલ, થયુઁ આટલી છે આ બેઢઁગી?

આવી અચાનક દુર્ગઁધ આ આવાસો માઁ થી એવી,
નથી આવતી છાણ ને ગારા ના ઝુઁપડા માઁ થી જેવી,

રહેતુ હશે કોણ આમાઁ? કળીયુગ નો માનવ કે સત્ યુગ નો દાનવ
દાનવ પણ હોય છે માનવ, પણ રહેતા નથી અહિઁ માનવ,

જોયા દાવપેચ ને રાજ રમતો શ્રીમઁતો ની ,પૈસા થી પૈસા ખેઁચવાની,
જોઇ પેટ નો ખાડો પુરવા માટે દુકાન, જિસ્મ માઁ ખાડા પડાવવા ની,

માસૂમ ના આઁસુ થી બનેલી મદિરા પી ને ચઢેલી મસ્તી,
શુઁ છે માસૂમો ના અશ્રુ ની કિઁમત આટલી સસ્તી,

પસ્તાયો ખુબ જ "માનવ" જઈને પત્થરો ના શહેર માઁ,
ઝાકઝમાળ ને જાજરમાન ઈમારતો ના શહેર મા.

-પરેશ-"માનવ".

ઘણું રોયાં

વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં,
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં.

છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં,
સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં.

કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં,
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં.

બપોર આખો ઊકળતી વરાળ જોઇને,
ભરેલ વાદળાં સાંજે પછી ઘણું રોયાં.

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.

વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.

‘રસિક’ ને આમ તો રોતા કદી ન જોયા છે,
છતાંય રાતના રોયા પછી ઘણું રોયાં.


- ‘રસિક’ મેઘાણી ( અબ્દુલ રઝાક મેઘાણી – હ્યુસ્ટન )

Friday, December 21, 2007

વગર

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.


- ચિનુ મોદી ‘ઈર્શાદ’

Saturday, December 08, 2007

હમ સફર બની જાઉં

બને જ્યાં તું ભમરો,
હું ત્યાં કળી બની જાઉ...

કદમ જ્યાં પડે તારા,
હું ત્યાં ફૂલ બની જાઉ...

સરે જ્યાં આંસું તારા,
હું ત્યાં પાપણ બની જાઉ...

ફેલાવે જ્યાં તું હાથ તારા,
હું ત્યાં મંજીલ બની જાઉ...

દર્દની તને જાણ પણ ના થાય,
હું એવો હમદર્દ બની જાઉ...

તારી નજર શોધે છે જેને કાયમ,
એવો હું ત્યાં હમસફર બની જાઉ...

-અનુજય.

Thursday, December 06, 2007

વરસાદ હમણાં

ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
-ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં.
ગુફ્તગો આ આંખની અંગત રહી છે,
એમને કરવી નથી ફરિયાદ હમણાં.
ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
-ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં.
વિસ્તર્યું ચારે તરફ લીલાશ જેવું-
પાનખરને કેમ કરવી યાદ હમણાં.
કેટલા વરસો પછી ઘરમાં વળું છું,
જાગી ઊઠ્યો કાળજે ઉન્માદ હમણાં.

- મનીષ પરમાર.

વરસી જા

આકાશેથી આગ વરસતી, વરસી જા,
પળ બે પળ સંગાથ તરસતી, વરસી જા.
રણ શા સૂકકા આ હૈયામાં આગ બળે,
મૃગજળ પર છે નાવ સરકતી, વરસી જા.
દેવાલયમાં ઝાલર રણકે, સાંજ ઢળી,
લે આ ડાબી આંખ ફરકતી, વરસી જા.
સૂનું આંગણ, સૂનાં તોરણ-મોર હવે,
દીવા કેરી જ્યોત થરકતી, વરસી જા.
સૂની આંખોમાં શમણાં થઈ આવ હવે,
ભર નીંદરમાં એમ ઝબકતી, વરસી જા.

- હરીશ પંડ્યા.

ઓઢાડું તને–

લે,આ મારી જાત ઓઢાડું તને.
સાહેબ! શી રીતે સંતાડુ તને?
તું ભલે દિલમાં રહે કે આંખમાં
કયાંય પણ નીચો નહીં પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું
મૌન ની મસ્તીથી રંજાડુ તને.
તું નહીં સમજી શકે તારી મહેક
લાવ કોઇ ફૂલ સુંઘાડું તને.
કોક દિ એકાંતમાં ખપ લાગશે
આવ મારી યાદ વળગાડું તને.
હૂબહૂ તારીજ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને.
તેં નિકટ થી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.
ઘર સુધી તુ આવવાની જિદ ન કર
ઘર નથી,નહીંતર હું ના પાડું તને!
‘ખલીલ’! આકાશને તાક્યા ન કર
ચાલ છત પર ચન્દ્ર દેખાડું તને!

—–ખલીલ ધનતેજવી

Tuesday, December 04, 2007

ગઝલ - મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

- મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

Tuesday, November 27, 2007

સમ્બન્ધો

ગાઢ નીદ્રા માઁ પોઢેલા સમ્બન્ધો ને ફરી થી જગાડીએ,
ચાલ ને પાછી એકડે એક થી શરુઆત કરીએ,

ખબર ના રહી કેમ કરી સમ્બન્ધો પોઢી ગયા,
કે પછી જાણતા આઁખ આડા કાન થઈ ગયા?

જો જે જાગેલા સમ્બન્ધો ફરે થી નીદ્રધીન ના થઈ જાય,
એને જગાડતા જગાડતા પાછી રાત ના પડી જાય ,

અરે એમ બૂમો પાડવાથી ના જાગે ગાઢ નીદ્રાધીન સમ્બન્ધો,
હૂઁફ્ ના ચુલા પર શેકવા કરવા પડે એ સમ્બન્ધો,

ધીમી રાખજો આઁચ એ હૂઁફ ના ચુલા ની,
શેકતા બળી ના જાય કરજો કાળજી એની,

નહી તો મૃત્યુ શૈયા પર પોઢી જશે એ સમ્બન્ધો,
જાગશે નહી "માનવ" કદી એ પોઢી ગયેલા સમ્બન્ધો

-પરેશ "માનવ"

Sunday, November 25, 2007

લાગણીની માત્રા

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

- અજ્ઞાત

પ્રણયને આંધળો કહેવાય છે

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
તું નયન સામે નથી, તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે
કોઇને એક વાર જોયા બાદ, આવું થાય છે?

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે
શોધમાં નીકળું છું ત્યારે જ કેમ એ સંતાય છે

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.


-બરકત વિરાણી “બેફામ”

મોંઘી પડી

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.

જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.

બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી…

- શેખાદમ આબુવાલા

તને ચૂમું, તો

ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું, તો હું વાતાવરણ બની જાઉં

તને હું જોઉં, તો થઈ જાઉં સ્થિર, સમયની જેમ
તને અડું, તો હવામાં વહી વહી જાઉં

સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી
કળી કળીમાં તને, નહિ તો, કોતરી જાઉં

તું તરવરે છે લહેરાતી ધૂમ્રસેરોમાં
અને હું તારા વળાંકો ઉપર વળી જાઉં

બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું
બહુ બહુ તો તને શ્ર્વાસમાં ભરી જાઉં


-હેમંત ધોરડા.

ધીમો પ્રવાસ

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે
ઓ જીંદગાની તારા હજારો લિબાસ છે

બે-ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી
અમને તો જમાનાની હવાઓએ રાશ છે

જો જો કે થવાનુ છે આજ ફરી ફરીને
હમણાં ભલે કહુ કે આખરી પ્રયાસ છે

મંઝિલ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખુલી
કોને ખબર છે ક્યાં સુધી મારો વિકાસ છે

લાગે છે એ વખતે મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે

થઇને હતાશ જ્યાં ઉપર જોયુ ‘મરીઝ’
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે

- મરીઝ

પાનખર આવે ને પાનખર જાય

પાનખર આવે ને પાનખર આવે ને પાનજખર જાય,
વસંત નું નીશાન મલતુ નથી,
વસંત આવે ને વસંત જાય,
વસંત માં પણ વસંત નું નીશાન મલતું નથી,

પાનખર ન ઝાડ ની બારસાખ પર નજર માંડતો ,
બારસાખ ને વીંટળાયેલ વેલ નું નીશાન મલતું નથી,

મનના અંધારા ખુણામાં બેઠેલા અશાંતિ ના નાગ ને,
નાથવા વાળા મદારી નું નીશાન મલતું નથી,

આકાશ માં મેઘ કેરી ઘનઘોર ઘટાઓ આવે ને જાય,
તરસ છીપાય એવી એક બુન્દ નું નીશાન મલતું નથી,

કોઁક્રીટ ના આ જંગલ માં , સસ્તા મકાનો તો ઘણા છે,
પણ ઘર નામ ની વસ્તુ નું નીશાન મલતું નથી,

સ્મશાન માં પડેલા મૃતદેહ ના હૈયા માં કદાચ ધબકાર મલશે,
જીવંતો ન હૈયા માં લાગણી નુ “માનવ” નીશાન મલતું નથી.

પરેશ ત્રીવેદી “માનવ.”

Sunday, November 18, 2007

"નાની શી જ્યોત્"?

લાગતો હતો થાક સફરનો,
હતુ નહિ નામોનીશાન મંઝીલનુ
પણ વીત્યા દિવસો તનાવના,
વીતી રાત્રીઓ હતાશાની
જીંદગીએ કંઈક એવુ બતાવ્યું,
પ્રગટી અવિચળ જ્યોત્ ભીતર...

ના દુખ નડે એને ના સુખ અડકે,
ના પવન બુઝાવે ના વરસાદ
જોઇ અચરજ પામું નાની શી જ્યોત્...

પ્રેમ કરવો છે એને રોજ એટલો,
જણે કે હોય અમારી જીંદગીનો દીવસ છેલ્લો
પણ નથી મરી ફીટવું મહોબ્બતમાં
હતી જ્યોત એના પહેલા અને,
રહેશે પ્રગટેલી એના પછી
હાલતી-ડોલતી જણે કે મને રસ્તો ચીંધતી...

સુખમાં પગને રાખતી જમીન પર,
અને દુખમાં જગાવતી આશા
દીવસે મને પ્રેરશે એ જ્યોત,
જગાવશે નીંદરમા પણ ચેતના
છે અરજ જ્યોતના પ્રગટાવનાર ને,
લાવી મુકજે સુંદરસમાં ર્હદયની સામે
ઈધંણ પૂરે જે મારી જ્યોતના કોડીયામા...

-કુમારી અર્પિતા શાહ.
ટૉરન્ટો-કેનેડા.

મૂળ અમદાવાદ-ગુજરાતનાં.

Thursday, October 11, 2007

કવિતા-'આદિલ' મન્સૂરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.


- ‘આદિલ’ મન્સૂરી

"તારા વિના"

પળ પળ ઝુરીએ અમે તારા વિના,
છતાં પણ જીવીએ અમે તારા વિના.

વિચારો, આકાશ કેવું લાગે તારા વિના?
એવો અન્ધકાર જીવનમા હવે તારા વિના.

જીવન ક્યાં હવે આ વિતશે તારા વિના?
પળ બે પળ છે જો મુશ્કિલ.તારા વિના.

ચડતી નથી વેલ સહારા વિના,
મળશે ક્યાંથી સરિતા સાગર ને ધારા વિના.

સળગે છે આગ ક્યાંય અંગાર વિના?
અમે તોય બળીએ ‘રોશની’ તારા વિના.


-રશીદા દામાણી

ઉમર ખય્યામની ગઝલ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

Wednesday, October 10, 2007

રહી ગયા

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.


- ‘આદિલ’

Friday, October 05, 2007

નામ લખી દઉં

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!


અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…


વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં


તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!


-સુરેશ દલાલ

Tuesday, October 02, 2007

વાર નથી લાગતી

મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.


- આતિષ પટેલ ‘લક્ષ્ય’

Sunday, September 23, 2007

દુનિયામાં હવે એના વિના

દુનિયામાં હવે એના વિના
ક્યાંયે મન લાગતું નથી,
લાગે છે જેવું બહાર ખુશ, અંદર લાગતું નથી.
જાણે છે હૃદય કે આ સ્વપ્ન છે પરંતું,
મને છે મારું કે જ હકીકત માનતું નથી.
કરે છે અહીં સચ્ચિદાનંદ ઈશની ખૂબ વાતો,
પૂર્ણ રીતે ઈશ્વરને દુનિયામાં કોઈ જાણતું નથી.
પ્રેમ-પ્રેમ તો કરે છે જગમાં સૌ કોઈ, દોસ્તો !
અફસોસ, પ્રણયને સહુ કોઈ નિભાવતું નથી.
ગમે છે સૌ કોઈથી સુંદરતા આ જગ મહીં,
જગને અહીં કોઈ 'જન્નત' બનાવતું નથી.
'સાથ આપશે જિંદગીમાં સદા'
એમ કહે છે સૌ કોઈ,
જીવનસફરમાં સાથ સદા કોઈ આપતું નથી.
કરું છું દિલની વાત સદા, ગઝલમાં 'ગુલશન'
ચાહતની રીત એને કેમ કોઈ સમજાવતું નથી..


દિલીપકુમાર પ્રણામી

મૃત્યુ ન કહો.

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.


- હરીન્દ્ર દવે

તમન્ના

ફરીવાર તમારા દિલમાં જીવવાની તમન્ના જાગી છે
ફરીવાર દિલમાં તમને પામવાની લગની લાગી છે

સફરમાં હતા સાથે, તેઓ ઘણાં આગળ પહોચ્યા છે
અમે ખુબ ધીમે ચાલ્યા તેથી મંઝિલ ઘણી આઘી છે

સાથ તમારો જ્યારે હોય, ત્યારે જીંદગી એક પળની છે
અને આમ જોઇએ તો એકલતાની એકપળ પણ ઝાઝી છે

‘રાજીવ’નું સ્વપ્ન હતું, તને સુખ મળે જીવનભર
તેથી જ તેણે, તારી સાથે, ઘણી ખુશીને ત્યાગી છે

- રાજીવ

Saturday, September 22, 2007

કાયમ રહેશે.

મને એવું હતું કે હાથ તારો મારા હાથમાં રહેશે,
ફક્ત બે ચાર દિવસ નહીં, તુ કાયમ શ્વાસમાં રહેશે.

તારી સાથે ગાળેલી હર ક્ષણ યાદ મને કાયમ રહેશે.
તારા પ્રેમના ઘૂંટ ઉતરતા કાયમ રહેશે.

તારી સાથે ભરેલા ડગ મને યાદ પ્રૂરા રહેશે,
તારા પગલાંની છાપ મારા દીલ પર કાયમ રહેશે.

-- શૈલ્ય
(૨૦-૯-૨૦૦૭)

Thursday, September 20, 2007

ગઝલ - હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.


- હિતેન આનંદપરા

Saturday, September 08, 2007

સમજાવી નથી શકતો

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.


ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.


ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.


તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.


તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.


બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.


– ‘મરીઝ’

લાગે છે....

મળ્યા નથી આપણે કદી,
પણ મળ્યા હોય તેવું લાગે છે.
તને જોયા વગર પણ,
જોઈ હોય તેવું લાગે છે.
નથી સંબંધ આપણી વચ્ચે છતાં,
ગાઢ સંબંધ જેવું લાગે છે.
તું છે દૂર દૂર ઘણી છતાં,
પાસ હોય તેવું લાગે છે.
મારા મનમાં આ તારા વિચારો
યાદો જ તારી લાગે છે.
આ જે કંઈ પણ છે આપણી વચ્ચે,
મને તો પ્રેમ જેવું લાગે છે.
તને શું લાગે છે ???

-ધવલ સોની

Thursday, September 06, 2007

ગોકુલની ગલીઓ

ગોકુલની ગલીઓ માં શ્યામ થયો બહાવરો ,
રાધા વિના રહેવા નહીં એને મહાવરો,

ગોપ - ગોપી ને વિનવે ,
પશુ - પંખી ને વિનવે ,

કોઈક તો આપો મને રાધાનો અણસારો ,

મટકી નહી ફોડું, કહી ગ્વાલણને રીઝવે,
માખણ નહી ચોરું, કહી માં ને મનાવે,

બસ કોઈ આપો મને રાધાનો અણસારો ,

ગાયો ને મૂકી રેઢી,
વાંસળી ને મૂકી મેડી,

જમનાની રેતમાં રાધાના પગલાં શોધવા શ્યામ નિસર્યો,
આજ હવામાં પણ નથી રાધા તારા નામનો વર્તારો,

ન જાણ્યું શ્યામે , આજ વ્હાલી રાધા કેમ રિસાઈ ?
રાધાની રાહમાં, આજ શ્યામની આંખડી ભરાઈ.

જગ જાણે શ્યામ ના મોહમાં રાધા દિવાની ,
પણ આજે રાધાની રાહમાં શ્યામ દિવાનો.

નંદકુંવરે જાણ્યું કે રાધાનો પ્રેમ છે પૂરો,
પણ શ્યામ, તું જ છે રાધા વિના અધૂરો.....

-- શૈલ્ય

Monday, September 03, 2007

અલવિદા...!!!

છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે...
નશો પ્રેમ નો કેવો ઢોળાયો... અને..મયકદા બની ગયા તમે...!!!

હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ...
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે...

સબંધોની દિવાલો ખંડેર થઈ...તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી... પછી જુદા થઈ ગયા તમે..

છે આ બેહાલ અમારા , તમારી જ છે આ ભેટ - સોગાદ ...!
જોઈ મુખ અમારુ પછી શાને...પ્રિયે ગદગદા થઈ ગયા તમે..

જનાજો 'અંકુર' નો રોકી પછી એ રડતાં એટલું જ કરગર્યા...
અલવિદા કહ્યુ હતુ અમે અમસ્તુ... ને... દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..

- હસમુખ ધરોડ 'અંકુર'

Thursday, August 30, 2007

અતીતના ઝરૂખેથી

દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ...!!!

યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ....

સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ

ઇશ્ક ની બજારમાં મુજ દિલ 'અનમોલ' મોલે વેંચાઇ ગયુ,
ને... એ ..જ... દિલ તુજ મગરુર દિલ પાછળ ઘસડાઇ ગયુ

દિલ દેવુ નહોતુ છતા કોને ખબર કાં દેવાઇ ગયુ...
શું કહીયે તમને દોસ્તો 'હસમુખ' થઇને અમારાથી જ આજ રોવાઇ ગયુ...!!!

---હસમુખ ધરોડ 'અંકુર્'

કેમ રોકશો !!

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!

મદિરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વિતાવતો કેમ રોકશો મને !!

--- શૈલ્ય

Friday, August 24, 2007

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

Get this widget | Share | Track details


સ્વરઃ પુરૂષોત્તમ ઉપાધ્યાય.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !


પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.


માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !


એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાયપડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથીમને સૂરજની બીક ના બતાવો !

-અનીલ જોષી

Tuesday, August 21, 2007

હોય સાથે છતાં હું પડી એકલી

હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી


– સુનીલ શાહ

Monday, August 20, 2007

પનઘટની વાટે......

Get this widget Share Track details

સ્વર-મનહર ઉધાસ
તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,


કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,


રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,


બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,


તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

-અવિનાશ વ્યાસ.

Sunday, August 19, 2007

મને તારી યાદ આવે છે..

જ્યારે હોઉં છું હું એકાંતમાં,
મને તારી યાદ આવે છે.
મળતાં જોઉં છું જ્યારે બે પ્રિયજન,
મને તારી યાદ આવે છે.
જ્યારે જોઉ છું બે દિલોને તૂટતાં,
મને તારી યાદ આવે છે.
હોય છે આમ તો ઘણાંયે,
તોયે છે તેઓ પરાયાં,
આ વિચાર આવતાં જ મને,
તારી યાદ આવે છે.
સાંભળું છું જ્યારે કોઈના મોઢે પ્રેમની વાત,
દિલને ત્યારે ઓ દિલરુબા
મને તારી યાદ આવે છે.


-દિલીપકુમાર પ્રણામી ‘ગુલશન’

મને પ્રેમ કરવાનુ કારણ મળ્યુ છે

હવે આંખોને ઉજાગરાનુ કારણ મળ્યુ છે,
ને સ્વપ્નોને રોકાવાનુ કારણ મળ્યુ છે.

અરીસામા જોવાનુ કારણ મળ્યુ છે,
ને હોઠોને સ્મિતનુ કારણ મળ્યુ છે.

કળીને ખીલવાનુ કારણ મળ્યુ છે,
ને ભ્રમરને મંડરાવવાનુ કારણ મળ્યુ છે.

મને પ્રેમ કરવાનુ કારણ મળ્યુ છે,
ને જમાનાને વગોવવાનુ કારણ મળ્યુ છે.


— શૈલ્ય.

દિવસો જુદાઇના જાય છે......

એક સુંદર ગુજરાતી ગઝલ.
સ્વ.મહંમદ રફીના સ્વરમાં.


Get this widget | Share | Track details

પ્રેમ એટલે કે

Get this widget | Share | Track details

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે,

સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

સ્વપ્નમાં પળાય એવો કાયદો.

પ્રેમ એટલે કે,

તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો

ક્યારે નહીં માણી હો,

એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.

દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,

એક છોકરીને તે શ્યામવર્ણીવાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,

મને મૂકીને આકાશને તું પરણી

પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોયછે મુશાયરો

પ્રેમ એટલે કે...



-મુકુલ ચોક્સી

Sunday, August 05, 2007

પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ’!!

પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ’!!
કોઈ સુંદર સાથી મળી જાશે ….જે દિ’!!!
આમ તો છે બંધનો મા બંધાયેલુ દિલ ..કસોકસ્..
છુટી જાશે સર્વબંધનો ટપોટપ્.. એ દિ’..
હૈયુ રટશે એનુ નામ બસ..કે આખી જિંદગી જોઇએ સાથ એનો બસ્.

-ડૉ. ભુમિકા ત્રિવેદી

Friday, August 03, 2007

એક તારી કલ્પના

એક તારી કલ્પના જે જીગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઇ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.

એક હું કે કોણ મારી કવિતાને દાદ દે?
એક તું કે તારી વાત સભા સાંભળતી રહી.

એક તું કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તું કે તારા હાથમાં દુનીયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારો આશરો જે મળે છે કદી કદી,
એક દિલનું દર્દ છે જે ઊઠે છે રહી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરિઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

- મરિઝ

વહાલમાં

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

- ‘મરીઝ’

Wednesday, July 25, 2007

ચાહત તમારી…

આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાંજિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છેજિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાંફક્ત તસવીર તમારી….

ધરમ પ્રજાપતિ

કોનું મકાન છે ?

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.

દીવાનગીએ હદ કરી તારા ગયા પછીપૂછું છું,
હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

- ‘અમર’ પાલનપુરી

Sunday, July 15, 2007

ગઝલ

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.

-અમિત પટેલ

Monday, July 09, 2007

હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે

હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે,
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે.

તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા,
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે.

તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ,
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે.

તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો,
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

-દિલીપ રાવલ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

-‘આદિલ’

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

- દિલીપ રાવળ

Tuesday, July 03, 2007

તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે............

તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે,
નિભાવવાના જે વા'દા, તે ફકત વા'દા જ રહી જશે.

વિતેલા દિવસો તમે તો, ભૂલી જશો ઘડીક માં,
પણ જિંદગીભર અમને, એ તડપાવતા રહી જશે.

અદાઓ બધી તમારી, કલામય લાગે છે,
નજર પડશે કોઈ કલાકારની, તો ચિત્રો બનાવતો રહી જશે.

સજીધજીને આમ, બહાર ન નીકળશો,
નહીં તો આ જોઈ કુદરત પણ, હેરાન થઈ જશે.

વારંવાર તમે આમ, શમણામાં ન આવો,
નહીં તો આ "શૈલ" તમારી, કવિતા બનાવી દેશે.

-"શૈલ"

Sunday, July 01, 2007

હજી તો મળવાની શરૂઆત થઇ છે.

હજી તો મળવાની શરૂઆત થઇ છે.
ઘણું સમજવાનુ બાકી છે.

હૈયાની ઉર્મીઓને વહેવા દો.
પ્રેમ પારાવારમાં ના’વા દો.

નજર નજરથી મળવા દો.
અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.

સમયના વ્હેણ સાથે જીવવા દો.
પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.

પ્રેમની કબુલાતનો સમય આવવા દો.
પ્રેમનો એકરાર થાવા દો.

- શાંગ્રીલા પંડ્યા

Sunday, June 10, 2007

તડકો

માંડ માંડ આજ પડ્યો થોડો તડકો,
મે તો માંગી લ ઈધો એક એનો કટકો..

ચાલી રહ્યો હું તો આમ વરસોથી,
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો.

મારો પડછાયો રહેતો મારી સાથે,
ને મને એ કહે તું તો બહુ બટકો.

શોધો તો મળશે સનમ તમારા દિલમાં,
શોધવા સનમને ન છેક આમ ભટકો.

તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી,
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો.

આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો,
હવે તો સનમ તમો સહેજ અટકો.

કેમ કરીને ભૂલે તમને નટવર,
એને તો યાદ છે તમારો દરેક લટકો.

-નટવર મહેતા

Sunday, May 13, 2007

જે સપનું ચાંદનીનું છે

જે સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજીઆ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

-શેખાદમ આબુવાલા

Sunday, April 08, 2007

મારો પરિચય

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ,
બીજી તરફ જન્નત,ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

- બરકત વિરાણી ‘બેફામ’

Sunday, April 01, 2007

ગાઢ નીદ્રા માઁ પોઢેલા સમ્બન્ધો ને ફરી થી જગાડીએ,
ચાલ ને પાછી એકડે એક થી શરુઆત કરીએ,

ખબર ના રહી કેમ કરી સમ્બન્ધો પોઢી ગયા,
કે પછી જાણતા આઁખ આડા કાન થઈ ગયા?

જો જે જાગેલા સમ્બન્ધો ફરે થી નીદ્રધીન ના થઈ જાય,
એને જગાડતા જગાડતા પાછી રાત ના પડી જાય ,

અરે એમ બૂમો પાડવાથી ના જાગે ગાઢ નીદ્રાધીન સમ્બન્ધો,
હૂઁફ્ ના ચુલા પર શેકવા કરવા પડે એ સમ્બન્ધો,

ધીમી રાખજો આઁચ એ હૂઁફ ના ચુલા ની,
શેકતા બળી ના જાય કરજો કાળજી એની,

નહી તો મૃત્યુ શૈયા પર પોઢી જશે એ સમ્બન્ધો,
જાગશે નહી "માનવ" કદી એ પોઢી ગયેલા સમ્બન્ધો,

-પરેશ "માનવ"

(આ સ્વરચિત કવિતા મોકલવા બદલ મૂળ મુંબઈના અને હાલ મસ્કત-ઓમાનમાં રહી કામ કરતા શ્રી પરેશભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર).

Wednesday, March 28, 2007

કવિતા

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તુંકવિતા કરી શકે – કદાચ.

- જયન્ત પાઠક

Sunday, March 04, 2007

પગલાં વસંતના

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

-મનોજ ખંડેરિયા

Saturday, January 13, 2007

એક છોકરીના હાથથી રૂમાલ પડે

એક છોકરીના હાથથી રૂમાલ પડે,
તે લેવા આખું યે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે ; બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે ,
તે બાબત પર ઠેર ઠેર ગરમી.

પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર,
અને નાસ્તિકો થઇ ગયા ધરમી,
કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?


ગંધ છોકરીની આવી જે જીવને ,
તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો,

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે ,
જરા મોઢાંઓ માંજો ને શોભો !
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.


-રમેશ પારેખ.

Wednesday, January 10, 2007

મળી આવે

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે.

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં,
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે.

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે.

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે.

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે.


- હિતેન આનંદપરા

Tuesday, January 09, 2007

જિંદગી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

- ‘સૈફ’ પાલનપુરી

Sunday, January 07, 2007

મૌન

હું તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું ,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું.
ને તું,
મારાં આભ, દરિયો અને પાંખ
પાછા મોકલ…

-લતા હિરાણી

રાધા એટલે….

રાધા એટલે……
ભીની પાંપણો પર..
થીજી ગયેલ બે અશ્રુબિંદુમાં,ચળકતી પ્રતીક્ષા……

રાધા એટલે….બળબળતી બપોરે
ધગધગતા રણમાં
તપેલી રેતીની અખૂટ તરસ…..

રાધા એટલે….
મોરપીંછ સંગાથે
વનરાવનમાં વેરાયેલ ટહુકાથીવીંધાયેલ વાંસળી….

રાધા એટલે….
પરમ સમીપે પહોંચવાની
ક્રિષ્ણને પામવાનીઅદમ્ય અભીપ્સા…..

રાધા એટલે….
પ્રેમપંથની પાવક જવાળામાંલીલીછમ્મ લાગણીનીઘેરી અનુભૂતિ….

રાધા એટલે….

કૃષ્ણનાપ્રેમ અને આનંદનોસહજ,સ્વયંસ્ફૂરીતએકમાત્ર પર્યાય…..

- નીલમ દોશી.

Monday, January 01, 2007

મારો પરિચય

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

- બરકત વિરાણી ‘બેફામ’