Monday, March 09, 2009

ખાલી થયેલું તળાવ

છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે.
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઇ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઇ,
સહુ ચિત્ર જોઇ બોલ્યાઃ ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

- સાહિલ

પતંગિયાએ ઘર કર્યું હતું

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

- મનોજ ખંડેરિયા

જિંદગીનો મર્મ

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

- હિતેન આનંદપરા