Friday, December 28, 2007

ઇન્સાન જોયાં છે !

અધિક્તર આંખમાં તોફાન જોયાં છે
અને,એ આંખ આડા કાન જોયાં છે !

ખુલાસા ક્યાં કરે છે કોઈ,ભીતરનાં ?
ઉપરછલ્લાં અધુરાં જ્ઞાન જોયાં છે

નથી રહી માતબર સંખ્યા,કબૂલું છું
નહીંતર,દોસ્ત જીગરજાન જોયાં છે !

હકીકત સ્પષ્ટ થઈ કે,ક્યાંક છે ઈશ્વર
અમે આ જ્યારથી ઇન્સાન જોયાં છે !

વિકસતાં હોય છે સંબંધ,આડશ લઇ
છતાં જાહેરમાં,અન્જાન જોયાં છે !

અલગ છે કે,નથી પૂરાં થયાં સઘળાં
અમે પણ સ્વપ્ન,જાજરમાન જોયાં છે !

નથી શીખતાં મનુષ્યો ભૂલમાંથી કઈં
ઘણાનાં તૂટતાં ગુમાન જોયાં છે !


-ડૉ.મહેશ રાવલ

Tuesday, December 25, 2007

કહેવાય નહી

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં


- અમૃત ઘાયલ

સ્મરણ

તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.

- ડોરથી લાઈવસે.
કેનેડા.

પ્રેમ અને પુસ્તક

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

- સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

દુહા

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;


એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;


રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;


આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;


સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.


-ચિનુ મોદી

Sunday, December 23, 2007

શહેર માં

નીકળ્યો સહેજ લટાર મારવા પત્થરો ના શહેર માઁ,
ઝાકઝમાળ ને જાજરમાન ઇમારતો ના શહેર માઁ,

દેખાતી દૂર થી અતી સુન્દર, થયુઁ મન પ્રસન્ન,
લાવ જોઉઁ જરા સમીપ જઈને, થયુઁ એવુ મન,

ગયો જ્યાઁ નજીક , ત્યાઁ વરતાઈ ઈમારતો વાઁકીચુકી,
ધબકાર ચુકી ગયુઁ દીલ, થયુઁ આટલી છે આ બેઢઁગી?

આવી અચાનક દુર્ગઁધ આ આવાસો માઁ થી એવી,
નથી આવતી છાણ ને ગારા ના ઝુઁપડા માઁ થી જેવી,

રહેતુ હશે કોણ આમાઁ? કળીયુગ નો માનવ કે સત્ યુગ નો દાનવ
દાનવ પણ હોય છે માનવ, પણ રહેતા નથી અહિઁ માનવ,

જોયા દાવપેચ ને રાજ રમતો શ્રીમઁતો ની ,પૈસા થી પૈસા ખેઁચવાની,
જોઇ પેટ નો ખાડો પુરવા માટે દુકાન, જિસ્મ માઁ ખાડા પડાવવા ની,

માસૂમ ના આઁસુ થી બનેલી મદિરા પી ને ચઢેલી મસ્તી,
શુઁ છે માસૂમો ના અશ્રુ ની કિઁમત આટલી સસ્તી,

પસ્તાયો ખુબ જ "માનવ" જઈને પત્થરો ના શહેર માઁ,
ઝાકઝમાળ ને જાજરમાન ઈમારતો ના શહેર મા.

-પરેશ-"માનવ".

ઘણું રોયાં

વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં,
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં.

છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં,
સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં.

કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં,
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં.

બપોર આખો ઊકળતી વરાળ જોઇને,
ભરેલ વાદળાં સાંજે પછી ઘણું રોયાં.

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.

વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.

‘રસિક’ ને આમ તો રોતા કદી ન જોયા છે,
છતાંય રાતના રોયા પછી ઘણું રોયાં.


- ‘રસિક’ મેઘાણી ( અબ્દુલ રઝાક મેઘાણી – હ્યુસ્ટન )

Friday, December 21, 2007

વગર

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.


- ચિનુ મોદી ‘ઈર્શાદ’

Saturday, December 08, 2007

હમ સફર બની જાઉં

બને જ્યાં તું ભમરો,
હું ત્યાં કળી બની જાઉ...

કદમ જ્યાં પડે તારા,
હું ત્યાં ફૂલ બની જાઉ...

સરે જ્યાં આંસું તારા,
હું ત્યાં પાપણ બની જાઉ...

ફેલાવે જ્યાં તું હાથ તારા,
હું ત્યાં મંજીલ બની જાઉ...

દર્દની તને જાણ પણ ના થાય,
હું એવો હમદર્દ બની જાઉ...

તારી નજર શોધે છે જેને કાયમ,
એવો હું ત્યાં હમસફર બની જાઉ...

-અનુજય.

Thursday, December 06, 2007

વરસાદ હમણાં

ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
-ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં.
ગુફ્તગો આ આંખની અંગત રહી છે,
એમને કરવી નથી ફરિયાદ હમણાં.
ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
-ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં.
વિસ્તર્યું ચારે તરફ લીલાશ જેવું-
પાનખરને કેમ કરવી યાદ હમણાં.
કેટલા વરસો પછી ઘરમાં વળું છું,
જાગી ઊઠ્યો કાળજે ઉન્માદ હમણાં.

- મનીષ પરમાર.

વરસી જા

આકાશેથી આગ વરસતી, વરસી જા,
પળ બે પળ સંગાથ તરસતી, વરસી જા.
રણ શા સૂકકા આ હૈયામાં આગ બળે,
મૃગજળ પર છે નાવ સરકતી, વરસી જા.
દેવાલયમાં ઝાલર રણકે, સાંજ ઢળી,
લે આ ડાબી આંખ ફરકતી, વરસી જા.
સૂનું આંગણ, સૂનાં તોરણ-મોર હવે,
દીવા કેરી જ્યોત થરકતી, વરસી જા.
સૂની આંખોમાં શમણાં થઈ આવ હવે,
ભર નીંદરમાં એમ ઝબકતી, વરસી જા.

- હરીશ પંડ્યા.

ઓઢાડું તને–

લે,આ મારી જાત ઓઢાડું તને.
સાહેબ! શી રીતે સંતાડુ તને?
તું ભલે દિલમાં રહે કે આંખમાં
કયાંય પણ નીચો નહીં પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું
મૌન ની મસ્તીથી રંજાડુ તને.
તું નહીં સમજી શકે તારી મહેક
લાવ કોઇ ફૂલ સુંઘાડું તને.
કોક દિ એકાંતમાં ખપ લાગશે
આવ મારી યાદ વળગાડું તને.
હૂબહૂ તારીજ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને.
તેં નિકટ થી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.
ઘર સુધી તુ આવવાની જિદ ન કર
ઘર નથી,નહીંતર હું ના પાડું તને!
‘ખલીલ’! આકાશને તાક્યા ન કર
ચાલ છત પર ચન્દ્ર દેખાડું તને!

—–ખલીલ ધનતેજવી

Tuesday, December 04, 2007

ગઝલ - મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

- મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)