Monday, June 25, 2012

જેટલો મોટેલનો વિસ્તાર છે
એટલો આ આપણો સંસાર છે

આ અમેરિકાનો જયજયકાર છે
એની થૂલી પણ હવે કંસાર છે

આપણો તાળો નથી મળતો પટેલ
એક પટલાણી ને સપના ચાર છે

આમ તો કઈ પણ ફકરચંત્યા નથી
તો ય આ માથા પર શેનો ભાર છે

મારું હાળું એ જ હમજાતુ નથી
આપણી આ જીત છે કે હાર છે

ઉપર ઉપરથી બધુંયે ચકચકિત,
અંદર અંદરથી બધુ બિસ્માર છે.

આપણે પણ દેશ ભેગાં થઈ જશું
છોડી પૈણી જાય એટલી વાર છે

અહિંયા એની બોન ને પૈણે "અદમ"
ક્યાં કોઈને આપણી દરકાર છે

– અદમ ટંકારવી.

Saturday, June 23, 2012

શબ્દો મારા લઘર વઘર

હું અને શબ્દો મારા છે લઘર વઘર
સજાવું મહેફીલ છંદ, જોડણી વગર

રસ્તા બનાવ્યા મે ખુદ જીવન પંથનાં
રહિં ગયો હશે કંટક ક્યાંક શી ખબર?

આંસુડે કર્યુ હતું જતન મે અરમાનોનું
પાંપણે જુલી સમણાં થયા કેવા અમર?

હર એક શેરમાં રૂદન છે મારા હ્રદયનું
બની ગઝલ ગમોથી મારી તરબતર

જીવતાં જગતિયાનાં અભરખાં "અશોક"ને
મળી સાથે બનાવીએ ચાલો મારી કબર

- અશોકસિંહ વાળા
તા. ૩૦ - ૦૩ - ૨૦૧૨.

Monday, April 30, 2012

ગુલાબ માંગે છે

દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.
હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.
આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.
શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.

-આદિલ મન્સૂરી

Saturday, March 17, 2012

અજબ ગજબ ની દુનિયા રંગ-ઢંગ ઇ નાં અનોખાં
દેખાડાનાં નોખાં ને દાંત ચાવી જાવા નાં નોખાં.

ચહેરા જુઓ તો જરા, દંભી દિસતાં ચોખે-ચોખાં
દા’ડે પેરવાનાં ધોળાં ને રાતનાં કાળાં નોખાં.

એજ નયણ નાં એજ આંસું નાં જો ને લેખાં-જોખાં
રોજ નિસરતાં દુખ નાં, કદિક નિસરે સુખ નાં નોખાં.

પ્રસંગ એક મરણ નો કોઇ કણસે રાતભર કોઇ ને આવે ઝોકાં
પહાડ દુ:ખ નાં કોઇ પર કોઇ ઉજવે અવસર છુટ નાં નોખાં.

વીતી જ્યંગી નામ કર્યા, કોઇ એ કર્યાં ભેળાં ખણખણીયાં ખોખાં
કામ નો લાગ્યા કાંઇ કર્યા "શ્યામ", કરમ નાં વધેલાં ઇ નોખાં.
(જ્યંગી=જીદંગી)

$hY@m-શૂન્યમનસ્ક
તા - ૦૧/૧૦/૦૯

Wednesday, March 07, 2012

કાચી કેરી જેવા સપનાં, થોડા ખાટા થોડા તૂરાં,
રાતે આવે છાના માના, થોડા બિકણ થોડા શૂરાં.

તીખી ધારે દિવસો કાપે, સૂની સૂની સાંજો કાપે,
જાણે આંખે આંજી આપે,થોડા ચપ્પૂ થોડા છૂરા.

થોડા તારા દે ઉછીના,થોડા મારા લે ઠામૂકા,
ભેગા થઇ ને લીલા થાશે,થોડા પીળા થોડા ભૂરા.

ખુલ્લી આંખે આવી બેસે,કેવા સાચા પડતા લાગે !
કાચા પાકા તંતે ટાંગે, થોડા બાકી થોડા પૂરા.

માટી જેવી કાયા લઇને,આંખો નાં નિંભાડે પાકે,
અંજળ ની ઠોકર થી ભાંગે, થોડા કટકા થોડા ચૂરા.

---પારુલ.

Tuesday, February 21, 2012

બધાને કરી દંડવત્‌ એ નમે છે
મઝા બહુ પડે જીન્સમાં જો રમે છે
દિવસ, રાત, સાંજે, સવારે ગમે છે
મને મારી ભાષા વધારે ગમે છે.
અનુવાદ, સર્જન, અનુસર્જનો પણ
મમત કોઈ પર નહીં ને મમતાનું સગપણ
જીવન એક એના સહારે ગમે છે
જમું એને હું ને, મને એ જમે છે
રડું તો એ આવીને છાનોય રાખે
રહે કાને, જીભે અને હોય આંખે
મનોબળના મક્કમ ઇશારે ગમે છે
તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે
બળુકી, નિખાલસ, સહજ, ઔપચારિક
અનુરૂપ સૌને સદા પારિવારીક
નકારે ગમે છે, હકારે ગમે છે
વગર એના જીવન સતત આથમે છે
ન ખપશે કદાપી તમારા ખુલાસા
જનમથી મરણ સુધી જીવે છે ભાષા
પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે
વિધાતા ને માતા પછીના ક્રમે છે
મને મારી ભાષા વધારે ગમે છે

- અંકિત ત્રિવેદી
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

- મરીઝ

Thursday, December 29, 2011

આવ તું મારી પાસ

આવ તું મારી પાસ,
લાગણીભીનાં હ્રદયની વાતો, કહેવી છે તને ખાસ.

વરસાદી આંખોમાં વસતું એક સોનેરી શમણું,
કોરાકટ હૈયે ચિતરાય બસ, મુખ તારું નમણું,
આ આંખોમાં-રુદિયામાં, નથી કોઈનો વાસ.
આવ તું મારી પાસ……

ખળખળ વહેતા ઝરણાની જેમ, આપણે વહેતા રહીએ,
જીવનના તડકા-છાયાં સૌ, સંગે સહેતા રહીએ,
યાદો તારી આવે જાય, જાણે શ્વાસ-ઉચ્છવાસ.
આવ તું મારી પાસ……

રીટા પટેલ.

એક છો’રીએ ઝાડની આડાશ લીધી

એક છો’રીએ ઝાડની આડાશ લીધી
ડાળે ડાળે પાંદડે પાંદડે પંખીના કલરવની વાતો કીધી.

પ્હાડના ઢોળાવથી ઢળતી કમખા કેરી કસ,
આભ વચાળે ચૂંદડી ઊડે વાયરો થાતો વસ.

આંખનું આંજણ આંખમાં આંજી આંખ ભરીને પીધી,
એક છો’રીએ ઝાડની આડાશ લીધી.

વળાંક લેતી, વાડીઓ જોતી મતવારી જાય ચાલી,
ધૂળ ઊડતી ઝાંખી પાંખી કેડીઓ થાતી ખાલી.

સંધ્યા ટાણે પાદરે બેસી વાડને તાળી દીધી
એક છો’રીએ ઝાડની આડાશ લીધી

વિજય ચલાદરી.

અક્ષરો વંચાતા નથી

કોરા કાગળ પર અક્ષરો અંકાતા નથી,
વાંચવાને ચાહું તોયે વંચાતા નથી.

બે ઘડીની મસ્તી, અર્ધ ડૂબેલ કસ્તી,
પવનના જોકાને મારાથી રોકતા નથી.

ઝાકળબુંદની વચ્ચે હોય ફોરમની હસ્તી,
તોયે કળીઓના પાન ભીંજાતા નથી.

નસીબ આવી જાય છે મારગમાં હંમેસા,
વિધાતાના લેખ રબરથી ભુંસાતા નથી.

“વંદના” ખરો જામ્યો છે ખેલ આજે,
દ્રષ્ટિના આંસુ નયનથી લુંછાતા નથી.
મારા અક્ષરો આજ મુજથી વંચાતા નથી…

-વંદના જેઠલોજા.

મારું ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

ગની દહીંવાલા.

અફસોસ નથી

પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે.

- ‘ મયુર વસાવા, પેટલાદ