Sunday, December 12, 2010

અમે ન્યાલ થઈ ગયા

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.

યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

-’અદમ‘ ટંકારવી.

સાવ અંગત એક સરનામું મળ્યું

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

- હરિશ્ચન્દ્ર જોશી.

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

- આદિલ મન્સૂરી.

Tuesday, December 07, 2010

ગઝલ

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી સ્હેજ મલકવાનું હોય છે.

ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.

શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું.
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.

પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.

દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

કેદી છું ‘રાહી’, મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.

એસ. એસ. રાહી.

તારા હોવાપણા નો અહેસાસ

કડકડતી ઠંડી માં હુંફાળો વાસ
બળબળતી બપોરે ઠંડક ની પ્યાસ
ધોધમાર વરસાદે રક્ષાત્મક આશ
સાથે જ રહે છે બારેમાસ
તારા હોવાપણા નો અહેસાસ


જીવનસફર નો એકલ પ્રવાસ
કઠીન ઘડી નો અંતિમ પ્રયાસ
ગાઢ અંધકાર માં આછેરો ઉજાસ
હોય છે સદાય મારી આસપાસ
તારા હોવાપણા નો અહેસાસ


અંતર નો કેમ કાઢવો ક્યાસ
તું જ છે દુર ને તુ જ છે ચોપાસ
છે તું કોઈ પછી સત્ય કે આભાસ
‘હોશ’ મુક્યો છે તુજ માં અખુટ વિશ્વાસ
સમર્પિત છે તને મારા હરેક શ્વાસ
તારા હોવાપણા નો અહેસાસ


-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’