Friday, December 29, 2006

રસ્તો

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નીંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લહેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળરૂપે લહેરાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહિ પડતે,
મુસાફરને શું દેવો સોષ, ઠોકર ખાય છે રસ્તો !.

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો.

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની;
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો.

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો.

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત એ હકીકત છે;
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો.


-રતિલાલ ‘અનિલ’.

તું છે મારું શરણ

તું છે મારું શરણ,
મને બસ, ગમતું તારું સ્મરણ !

ગગન મહીં આ તારાં લોચન
ભૂરાં ઊંડાં હસતાં !

તારી હથેલીઓનાં હેત જ
લહરે લહરે લસતાં !

તારી વાટે, તારા ઘાટે,
મૂકવાં મારે ચરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !

પ્હાડે પ્હાડે ઉદાર પ્રસરી
તારી શી છત-છાયા !
રાતદિવસ ઉર ઉજાશ ભરતી

તારી તેજસ-માયા !

મારા કૂપે, તળિયે તારાં
ફૂટ્યાં કરે ઝરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !

-ચંદ્રકાંત શેઠ

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.


- વિનોદ જોશી

મને ખ્યાલ પણ નથી

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી

.મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

તને ખોટું જો લાગે તો હું શું કરું?

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો. તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

- હિતેન આનંદપરા

Wednesday, December 27, 2006

કોને ખબર ?

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

- રમેશ પારેખ

દિલ

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

- મનહર મોદી

કાનજી ડૉટ કૉમ

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ...

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...

- કૃષ્ણ દવે

ડેથ સર્ટિફિકેટ...!

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું...
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદેહરાવીને જીતાતું હશે...
મારા દીકરા...?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસમેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટપણ મારે જ સાચવવાનું...?!!

-એષા દાદાવાળા

આવશે

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવેજોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

- આદિલ મન્સૂરી

Monday, December 25, 2006

તમે વાતો કરો તો

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.

-સુરેશ દલાલ.

સૂની પડી સાંજ

એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી ગયું.
-નયન દેસાઈ

હવે

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

- જગદીશ જોષી

Sunday, December 24, 2006

લખ મને

કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડા લખ મને !
કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

-(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)

Saturday, December 23, 2006

પનઘટની વાંટે

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

-અવિનાશ વ્યાસ

મારું ઘર

મારું ઘર હું શોધું રે,
આ પતિનું ઘર, તે પિતાનું ઘર,
ત્યાં કદાચ પુત્રનું ઘર,
સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?

પારકા ઘરે જવાનું છે,
પતિના ઘરે પારકી,
પારકા ઘરથી આવી,
અંતે દરેક છોકરી સાવકી છે.

-નંદિની મેહતા

યાદી ભરી ત્યાં આપની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ

સર્જન

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક 'દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

-"શૂન્ય" પાલનપુરી

દીકરીના લગ્ન પછી, ઘરમાં

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છેસંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણઅચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચેઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
'મારી દીકરી ક્યાં ?'

-જયંત પાઠક

ગમે છે

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

'ઘાયલ' મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.

-અમૃત 'ઘાયલ'
માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મે તો માંગી લ ઈધો એક એનો કટકો

ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો

મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો

શોધો તો મળશે સનમ તમારા દિલમાં
શોધવા સનમને ન છેક આમ ભટકો

તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો

આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
હવે તો સનમ તમો સહેજ અટકો

કેમ કરીને ભૂલે તમને નટવર
એને તો યાદ છે તમારો દરેક લટકો

-નટવર મહેતા

Saturday, December 16, 2006

તું મળે

એક ગુલમ્હોર આંખને કનડે કહુંને તું મળ
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે.

એક તો તને હું ‘રેશમ’ કહું કે ‘તું’, એનીજ ગડમથલમાં રહું છું,
ને પછી અહીંયા હઉં કે સ્વપ્નમાં, તારી જ દડમજલમાં રહું છું.

એક કોયલ બાગમાં ટહૂકે કહુંને તું મળે.
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે

આપણે મળીએ એ મોસમને બધાએ ‘વાસંતી’ કંઈ નામ દીધૂં છે.
ધારોકે તું ના હોય એવા સમયને ‘પાનખર’ કહેવો એમ કીધૂં છે.

એક વાદળ આભને અડકે કહુંને તું મળે.
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે.

– ગુંજન ગાંધી

Thursday, December 14, 2006

તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગરપ્રેમથી
તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

-વિશાલ મોણપરા

ખોટું ન લાગે તો

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?
કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઇ દી' ના છાંટા ઉડાડું
શમણાંનો કાયદોય હાથમાં ન લઉં... હું...
કોણ જાણે હિમ શી એકલતા જામીવૈદો કહે છે : હૂંફની છે ખામી
કહે છે કે તારામાં લાગણી છે બહુ... હું...
રોજ એક ઇચ્છા જો સામે મળે છે
આંખો ભીનું થૈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં... હું...
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશેમારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું... હું...
કહેણ મોસમનું કોઇ મને ભાવતું નથી
મને સાચકલે મારામાં ફાવતું નથી
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું? હું...


- મુકેશ જોષી

કમ્પ્યુટરના સ્ક્રીન પર

કમ્પ્યુટરના સ્ક્રીન પર છલછલ છલકે પ્રેમ,
માઉસ ઉપરના આંગળાને શૃંગારિક વ્હેમ !

તારા મનની સાઇટ પર, ક્લિક કરીશું એમ,
દિલને ડિકોડિંગ કરી વાંચી લઇએ જેમ.

માઉસ ઉપરથી ટેરવાં, સરકે તારી પાસ
જાણે રેશમ દેહ પર સર્ફિંગનો અહેસાસ !

મેઇલ કરું છું લાગણી, ટાઇપ કરું છું વ્હાલ
કમ્પ્યુટરના ગાલ પર ટશરો ફૂટશે લાલ !

સાયબરકાફે બૈઠકે, પ્રેમકી ચૂસકી લેત,
તારા-મારા ચૅટમાં જો હરખાયા ખેત.

શૃંગ ઉપરથી ઊતરે, વૅલીની છે વાટ
સિલિકૉનની ચીપ્સને કેવો છે રઘવાટ.

કૂવો, ગાગર, બેડલું, ડૉટ કૉમમાં ન્હાય,
ઇ-કોમર્સના કેફમાં, કોયલ ગાણાં ગાય !


-સંજય પંડ્યા

Sunday, December 10, 2006

આપણે હવે મળવું નથી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…


-જગદીશ જોષી
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !

મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

-મનોજ ખંડેરિયા

આ કવિતા મોકલવા બદલ,મૂળ સૂરતનાં અને હાલ સિંગાપોરમાં વસવાટ કરતાં શ્રીમતી મૉનાબેન પ્રવિણનો ખૂબ ખૂબ આભાર.

Monday, December 04, 2006

આપીને.

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન 'મરીઝ'
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

-મરીઝ

કાગળ

મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો!
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.

-સુરેશ દલાલ

Sunday, December 03, 2006

તારા વગર હું

તારા વગર હું

પાણી વગર માછલીની ઉપમાની વાત નથી,
વાત છે વરસાદ વગર તરસતી ધરતીની.

વરસાદ તો ઘાણા વરસ્યા પણ મારી માટીને
તારા સ્પર્શ પછી ઉઠતી ભીની સુગંધની તડપ છે.

તારા વગર હું- સ્વાસ વગર જીવનની ઉપમાની વાત નથી,
વાત છે પાંખો વગર તડપતા પતંગીયાની,

ઉડઉડ તો બહુ કરી પણ મને તારી સપ્તરંગી પાંખો વડે
પેલા મેઘધનુષ પાસ ભમવાની તડપ છે.

તારા વગર હું - દિશા વગરના વહાણની ઉપમાની વાત નથી,
વાત છે સાગર માટે તડપતી નદીની,

જળતો ના સમાય એટલુ છે,
પણ મારા મીઠાં પાણીને તારી ખારાશભરી વિશાળતાની તડપ છે.

તારા વગર હું - કવિ વગર કવિતાની ઉપમની વાત નથી,
વાત છે ખુલ્લી આંખે જોયેલા એક સપનાંની.

કાશ અપણે સારસ-સારસીની બેલડી હોત,
પાણી વગરની માછલી, સ્વાસ વગરના જીવન
અને કવિ વગરની કવિતાની જેમ
મારુ પણ તારા વિના અસ્તિત્વ ના રહેત.

-અર્પિતા શાહ.
(મૂળ અમદાવાદ-ગુજરાતનાં વતની અને હાલ ટૉરાન્ટો-કેનેડામાં વસવાટ કરતાં કુમારી અર્પિતાબેન શાહનો એમની સ્વરચિત કૃતિ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર).

Saturday, December 02, 2006

તું એક ગુલાબી સપનું છે

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

-શેખાદમ આબુવાલા

ઊઘડે

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.

-ખલીલ ધનતેજવી

મે તને જોઈ છેં

મે તને જોઈ છેં
શિયાળાની સવારના તડકામાં
ઘાસની પર બાઝેલા ઝાંકળમાં
તાપણામાંથી ઉડતા તણખલામાં
મોંમાથી નીકળતી વરાળની કુમાશમાં
ફાટી ગયેલા હોઠની દઝાડતી ઝાંયમાં
ચાહમાંથી આવ્તી એલચીની સુગંધમાં
રસ્તા પર બેઠેલી સળેકડી નિર્જનતામાં
વ્રુક્ષમાંથી ચળાઈને આવતા સૂર્યકિરણોમાં
મંદિરમાં વાગતા નગારાનાં નાદમાં
પહાડ પરથી સરકી જતી વાદળીની ભીનાશમાં
પર્વતની ટોચ પર અને ખીણની કિનાર પરધુમ્મસમાં
સરી જતી ઘટનાઓમાંરણમાં
ઊગતા મ્રુગજળના પાણીમાં
ધૂળની ડમરીમાં અને સૂરજની ગરમીમાં
પહેલા વરસાદની ભીની ખુશ્બુમાં
નળીયેથી ટપકતી ધારમાં
ટ્રેનની બારીમાંથી આવતી વાછ્ટમાં
સપ્તરંગી મેઘધનુષમાં
વરસાદ સાથે 'બેલે' કરતાં વ્રુક્ષોમાં
આખી રાત ટમટમતા આસમાની તારલાઓમાં
પૂનમની ચાંદનીમાં અને અમાસના અંધકારમાં
રોડ ઊપર ઢોળાઈ જતી નિયોન સાઈન લાઈટમાં
ઊગતા સૂરજનાં પહેલા કિરણમાં
વસંતના વ્રુક્ષોની લીલાશમાં
ફૂલોની મદહોશ સુવાસમાં
પતંગિયાની પાંખોથી વિંઝાતી હવામાં
ભમરા અને ફૂલોના સંભોગમાં
બાળકના બોખા હાસ્યમાં
પ્રેમી યુગલની આગોશમાં

-તેજસ જોષી