Monday, October 30, 2006

સરતા રહ્યા છે…

તરાપા તુફાનેય તરતા રહ્યા છે,
સમય જેમ શ્વાસો તો સરતા રહ્યા છે.

નદી જેમ જીવન તો વહેતું રહ્યું છે;
ભલે ને દુકાળો વરસતા રહ્યા છે!

નથી કેમ એકેય આવી હજીયે?!
સમંદર નદીને તરસતા રહ્યા છે !

અમે શૂન્યમાંથીય સરકી ગયા’તા
ઉદાસીના પડઘા કણસતા રહ્યા છે.

અમે વાદળોને ધર્યાં થોડાં આંસુ,
પછી મેઘ ખારું ગરજતા રહ્યા છે!

ન હોડી, ન દરિયો; પવન ના જરીકે,
છતાં શ્વાસ સઢ થૈ ફરકતા રહ્યા છે…..

– યોગેશ જોષી

Sunday, October 29, 2006

કૂંપળ

ગામ આખું કે’ છે
એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
બીજા કેટલાં પડે છે ?
**************
ખુલ્લાઆકાશનું માપ શું?
લાવ,તારી આંખને માપશું?
**************
એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું!
એમણે હળવેકથી પૂછ્યું:
“શું છે નામ તમારું ?”
**************
‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
કાયમ ભૂલ થઈ જાય છે,
હું શું કરું ?એ યાદ

-ડૉ.અશોક એચ.પટેલ.

ગઝલ ગમતી

પ્રીતનું સૂરીલું નજરાણું નથી,
હોઠ પર અવ ગીત કે ગાણું નથી,

સોનવરણું સાંજનું ટાણું નથી,
રાતમાં યે કંઇ ઠેકાણું નથી.

યાદને જોવા ગમે છે અશ્રુઓ
યાદને સમજાવો એ આણુ નથી

લોકલાજે એમને લેવું પડયું સાચું
આ સાચે જ ઉપરાણું નથી.

માનવીના કદ નિહાળી થાય છે
માનવીનું નક્કી પરમાણું નથી

શબ્દ ખખડાવે નહીં તો શું કરે?
કોઇની પાસે નગદ નાણું નથી,

દેવદુર્લભ દર્દની છે દેણગી,
શાયરી શબ્દોનું ઉઘરાણું નથી.

-ઘાયલ.

વાતો કરો.

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે,
ફૂલોની સૂતી સુગંધ.

તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
તમે વાતો કરો તો થોડું સારું લાગે,

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.

- અનામી.

આ કૃતિ મોકલવા બદલ સુરતના ડૉ.શ્રી જીમિત વડગામાનો ઘણો ઘણો આભાર.

રંગ રાખ્યો છે.

થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.

થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.

મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.

મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.

હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.

રંગથી પર છે મૌન મારું? રઇશ?
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

-રઈશ મણિયાર.

Friday, October 27, 2006

ધડકન બની ગઈ

સહરા તણી વેરાનીઓ ગુલશન બની ગઈ.
કાજળ ભરેલી રાત પણ રોશન બની ગઈ

આવ્યુઁ ખબર આગમનની લઈને કોઇ જયાઁ,
અસ્તિત્વની ત્યાઁ વાંસળી ધડ્કન બની ગઈ.

કેવી હશે એ સાધના તે દીપની પ્રખર,
એકજ કિરણથી મહેફિલો રોશન બની ગઈ.

આશા મિલનની આપી તેઁ ખોટી ખરી ભલે,
એતો જ ઇંતેઝારની સમર્થન બની ગઈ

મળ્યુઁ નહીઁ એકે કિરણ અમનેજ ભાગ્યમા ,
જોકે તમરી રાત તો રોશન બની ગઈ.

તોડી અમે જ્યાઁ શ્રુઁખલા અવરોધની ‘વફા’
કેડી નવી ત્યાઁ રાહમાઁ બઁધન બનીગઈ


મોહમ્મદઅલી ભૈડુ’વફા’

Thursday, October 19, 2006

મરવા પણ નથી દેતા

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.

-બેફામ.

Monday, October 16, 2006

તારી સાથે
રેતીમાં પાડેલાં પગલાં
લૂછાઈ જશે.…
પાંચ મિનિટ પછી
કદાચ,
કોઈને ખબર પણ ના હોય,
કે આપણે અહીંથી
સાથે પસાર થયા છીએ.
છતાં
તારી સાથે ચાલેલાં થોડા ડગલાં,
મારી સ્મૃતિમાં અકબંધ રહેશે !

-અનામી.

Sunday, October 15, 2006

હું રોજ તારા પ્રેમપત્રો
સળગાવવા માટે
બાકસ ખોલું છું,
પણદરેક વખતે તેમાંથી
પતંગિયું નીકળે છે
અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું.

-આર.એસ.દૂધરેજિયા

રાત, પ્રતીક્ષા

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું

હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?

થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું

આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું

- જવાહર બક્ષી

રાહ જોઉં છું

ચહલપહલની રાહ જોઉં છું
ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ?

તારા શરમાતા ચહેરા પરનવી ગઝલની રાહ જોઉં છું
આંખોથી અથડાતા લોકોએક શકલની રાહ જોઉં છું

વર્ષાનાં છે વળતાં પાણી
તેજ અસલની રાહ જોઉં છું

-હેમેન શાહ

વરસાદ પછી

જ લ ભીં જે લી
જો બ ન વં તી
લથબથ ધરતી
અં ગ અં ગ થીટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છેધીમે ધીમે;
યથા રાધિકા
જમુનાજલ માં
સ્નાન કરીને
પ્ર સ ન્ન તા થી
રૂપ ટપકતા
પારસ - દેહે
વસન ફેરવેધીરે ધીરે !

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણકનૈયો ?

- લાભશંકર ઠાકર

સગપણ કયાં છે ?

અમે મોર હોઈએ તો
-અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું
-તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈતમે આવી ચડજો.

-પ્રબોધ જોશી

Saturday, October 14, 2006

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે,સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોયછે મુશાયરો

પ્રેમ એટલે કે...

-મુકુલ ચોક્સી

તારા વિના

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,કશું જ કહેવું નથી.
અને કહેવું પણ કોનેતારા વિના ?


- સુરેશ દલાલ

ધારો કે એક સાંજ આપણે મળ્યાં

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં

પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું ?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો ?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું ?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ ! થોડું કીધું લે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું ?

ધારો કે રાણી ! તમે જીતી ગયા અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું ?

- જગદીશ જોષી

ગઝલ

એક રાજા હતો એક રાણી હતી,
એતો તારી ને મારી કહાણી હતી,

ક્યાં હું ભુલો પડ્યો એ ખબર ના પડી
મારી વાટ આખી અજાણી હતી,

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી,

જિંદગીના મેં દિવસો ખર્ચ્યા કર્યા
જિંદગી માં બીજી ક્યાં કમાણી હતી,

એક ચાદર હતી આભ ની ઓઢવા
રાતના જોયું તો એ કાણી હતી,

ભવ્ય કેવું હતું મોત "બેફામ" નું
ભેદિ ને દુશ્મનો મા ઉજાણી હતી...

-બરકત વિરાણી (બેફામ)

ગઝલ

ક્ષણોને તોડવા બેસું તો વરસો ના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસો ના વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભુંસી દઊં
અરીસો ફોડવા બેસું તો વરસો ના વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરી થી જોડવા બેસું તો વરસો ના વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,
હમણાં જ ઓગળશેહું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે....

-શ્રી મનોજ ખંડેરિયા

Thursday, October 12, 2006

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં


આ કૃતિ મોકલવા બદલ મુંબઈના શ્રી હિરેનભાઈનો ખૂબ ખૂબ આબાર.

ચાલ મોરલી

ચાલ મોરલી અમથુ રે અમથુ અહિં કેમ રે'વાય
કા"ના વિનાનાં સૂનાં ગોકુળિયાં........
જીવતર અકારું કેમ જીવાય......
ચાલ મોરલી...

લીલાછમ વ્રજની વનરાવન આ જીવ ને, આજ હવે લાગે અકારી
ખળ ખળ વહેતા'તા સૂર થયા બેસૂરા, યમુના નાં મીઠાં જળ ખારાં
જીવતર કદંબ કેરી કાયા લાગે....
ફૂલોં નો ભાર કેમ સહેવાય.......
ચાલ મોરલી અમથુ રે અમથુ અહિં કેમ રે'વાય...
અમથુ રે અમથુ અહિં કેમ રે'વાય...

ફૂંક વિના થઈ જશે કટકો તું વાંસ નો,ધૂળ થશે તારી આ કાયા,
ભૂલી જા શમણાં આ ભ્રમણાં ની જાળ છે,છોડી દે ખોટી આ માયા,
સાચો સંગાથી છે ઓળખી લે આતમ ને....
અંતર નાં બોલ શાને મુંઝાય.....
ચાલ મોરલી અમથુ રે અમથુ અહિં કેમ રે'વાય
કા"ના વિનાનાં સૂનાં ગોકુળિયાં........
જીવતર અકારું કેમ જીવાય......ચાલ મોરલી..

.-" શમણાં " માંથી

આ કવિતા મોકલવા બદલ,મૂળ સૂરતનાં અને હાલ સિંગાપોરમાં વસવાટ કરતાં શ્રીમતી મૉનાબેન પ્રવિણનો ખૂબ ખૂબ આભાર.

Wednesday, October 11, 2006

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે ચાર કલાક વાત થઇ
અને એક બે મુલાકાત થઇ,
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સોગાત થઇ,
નિરશાની ગર્તામાં ડુબેલુ હતુ મારું મન આયખાથી,
જ્યારથી તું જીવનમાં આવી,મ્રુત આશા" હયાત થઈ,
તારા જ સ્વપ્ન-સાગર માં છબછબિયાં કરે છે જિંદગી,
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઈ,
બચપનથી જ હકુમત ચલાવતો આવ્યો છુ દિલ પર,
ફક્ત એક મિઠી નજર અને મારી સત્તા મહાત થઈ......
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
-અનામી.

Monday, October 09, 2006

વાતોની કુંજગલી

વાતે વાતે તને વાંકું પડ્યું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

- જગદીશ જોષી

Sunday, October 08, 2006

કૂવાકાંઠે સરી પડેલા

કૂવાકાંઠે સરી પડેલા
ટહુકાને તું ભેગો કરતી
લચકાતી ચાલે ત્યાં ફરતી
હજી મને છે યાદ !

અને અદાથી પનઘટ ઉપર
લથબથ નજરે તાક્યું’તું તેં
કાજળઘેરી રાતોના એ
ઉજાગરા જે સોંપ્યા’તા તેં
હજી મને છે યાદ !
હજી તને છે યાદ ?

પાદર, કૂવો, કોસ, બળદિયા
છલકાતા પાણીનું નર્તન
તારું એક જ સ્મિત અને
આ પાદરનું ઝળહળ થઈ જાવું
હજી મને છે યાદ
!હજી તને છે યાદ ?

ખેતરશેઢે ખળખળ વહેતા
પાણીનો કલશોર અને
આ ઊભામોલે આલિંગન ચકચૂરમને જે આપ્યું’તું તેં
હજી મને છે યાદ !હજી તને છે યાદ ?

- સંજય પંડ્યા

તમને ફૂલ દીધાનું યાદ

ધીમે ધીમ ઠાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે સોનલ...

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખે ફરતાં
એકલદોકલ કોઇ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં
તરે પવનના લયમાં સમળી તેના છાંયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું
પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઇ
ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ


- રમેશ પારેખ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે
કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કૂંવારાં સોળ વરસના તૂરાં તૂરાં
અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ ?
ઝૂરવા કે જીવનનો ક્યાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

- જગદીશ જોષી

દિવસો પછી માણેલી એક સવાર

આ ગાયોના આંચળમાંથી બોઘરણામાં છંટાતી દૂધની સેરના સ્તોત્રો !

આ ખેતરમાં દોડવા અધીર બળદોને કંઠે રણકતી ઘૂઘરીઓનાં પરભાતિયાં !

આ સવારનું કપૂરી અજવાળુ !

આ શીતળ સમીરનો માદક ધૂપ !

આ સૂડાઓનો સ-સ્વર વૈદિક મંત્રોચ્ચાર !

આ ગૂપચૂપ ટૂંટિયું વાળી આવી બેઠેલા સોનવર્ણી સૂરજદેવ !

આ ભટુરિયાંઓનાં ભમરડાઓનાં ગુંજારવની ધૂન !

આ સધ્યસ્નાતા હર્યા ભર્યા લાલિત્યની દીપશિખા !

ઘણાં વર્ષો પછી હું મારા ઘરની હૂંફ માણી રહ્યો છું.

-જયદેવ શુક્લ

Saturday, October 07, 2006

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાયપડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથીમને સૂરજની બીક ના બતાવો !

-અનીલ જોષી
મળે ના મળે

નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે.

પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઇ અહીં,
પછી કોઇને કોઇની કબર મળે ના મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ના મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે.

- આદિલ મનસૂરી
ચૂમી છે તને -

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને

.-મુકુલ ચોકસી