ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
-ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં.
ગુફ્તગો આ આંખની અંગત રહી છે,
એમને કરવી નથી ફરિયાદ હમણાં.
ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
-ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં.
વિસ્તર્યું ચારે તરફ લીલાશ જેવું-
પાનખરને કેમ કરવી યાદ હમણાં.
કેટલા વરસો પછી ઘરમાં વળું છું,
જાગી ઊઠ્યો કાળજે ઉન્માદ હમણાં.
- મનીષ પરમાર.
No comments:
Post a Comment