Thursday, December 29, 2011

આવ તું મારી પાસ

આવ તું મારી પાસ,
લાગણીભીનાં હ્રદયની વાતો, કહેવી છે તને ખાસ.

વરસાદી આંખોમાં વસતું એક સોનેરી શમણું,
કોરાકટ હૈયે ચિતરાય બસ, મુખ તારું નમણું,
આ આંખોમાં-રુદિયામાં, નથી કોઈનો વાસ.
આવ તું મારી પાસ……

ખળખળ વહેતા ઝરણાની જેમ, આપણે વહેતા રહીએ,
જીવનના તડકા-છાયાં સૌ, સંગે સહેતા રહીએ,
યાદો તારી આવે જાય, જાણે શ્વાસ-ઉચ્છવાસ.
આવ તું મારી પાસ……

રીટા પટેલ.

એક છો’રીએ ઝાડની આડાશ લીધી

એક છો’રીએ ઝાડની આડાશ લીધી
ડાળે ડાળે પાંદડે પાંદડે પંખીના કલરવની વાતો કીધી.

પ્હાડના ઢોળાવથી ઢળતી કમખા કેરી કસ,
આભ વચાળે ચૂંદડી ઊડે વાયરો થાતો વસ.

આંખનું આંજણ આંખમાં આંજી આંખ ભરીને પીધી,
એક છો’રીએ ઝાડની આડાશ લીધી.

વળાંક લેતી, વાડીઓ જોતી મતવારી જાય ચાલી,
ધૂળ ઊડતી ઝાંખી પાંખી કેડીઓ થાતી ખાલી.

સંધ્યા ટાણે પાદરે બેસી વાડને તાળી દીધી
એક છો’રીએ ઝાડની આડાશ લીધી

વિજય ચલાદરી.

અક્ષરો વંચાતા નથી

કોરા કાગળ પર અક્ષરો અંકાતા નથી,
વાંચવાને ચાહું તોયે વંચાતા નથી.

બે ઘડીની મસ્તી, અર્ધ ડૂબેલ કસ્તી,
પવનના જોકાને મારાથી રોકતા નથી.

ઝાકળબુંદની વચ્ચે હોય ફોરમની હસ્તી,
તોયે કળીઓના પાન ભીંજાતા નથી.

નસીબ આવી જાય છે મારગમાં હંમેસા,
વિધાતાના લેખ રબરથી ભુંસાતા નથી.

“વંદના” ખરો જામ્યો છે ખેલ આજે,
દ્રષ્ટિના આંસુ નયનથી લુંછાતા નથી.
મારા અક્ષરો આજ મુજથી વંચાતા નથી…

-વંદના જેઠલોજા.

મારું ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

ગની દહીંવાલા.

અફસોસ નથી

પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે.

- ‘ મયુર વસાવા, પેટલાદ

Sunday, December 18, 2011

કંઇ કહેવું છે મારે તને,
સાંભળ ને જરા..

ક્યાં સુધી રહીશ દુર..
આવ મને મળ ને જરા..
...
વિશ્વાસે મારું વહાણ ચાલે,
ફગાવ આ વમળ ને જરા..

તું નહિ તો હું વળી કોણ..
હુંફ એક-મેકની આપણને જરા..

મેં તો ઓગાળ્યું અસ્તિત્વને,
તું પણ મારામાં ભળ ને જરા...

વિરહ તુજ આ તરસ્યા નયનમાં,
બની આંસુ ભીંજવ આ રણને જરા...

- ભૂમિકા કે. મોદી.
ઓસ્ટ્રેલીયા. (મૂળ અમદાવાદનાં).

ફક્ત તારા માટે…

નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર.
અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો અહેસાસ દિલમાં.

ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં.
એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં.

હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી,
બન્યા એક જીવ બે શરીરમાં.

તારાથી ‘હું’ ને મારાથી ‘તું’,
એ જ છે, આપણા નસીબમાં.

પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા,
કે બન્યા સાથી જિંદગીના સફરમાં.

વીત્યાં ત્રણ વર્ષ તારા સાથમાં,
મળ્યાં એ ખાસ પળ તારા સહવાસમાં.

સાથ નિભાવીશ જિંદગીના સાથમાં,
રાખજે વિશ્વાસ મારા વિશ્વાસમાં.

જિંદગી લૂંટાવી છે તારા નામમાં,
‘જીવ’ પણ આપીશ, તારા પ્રેમમાં.

છે ખુશહાલ જિંદગી, તારા સંગાથમાં,
ઇશ્વર કરે, મળે તારો સાથ હર જનમમાં.

-કલેમેન્ટ પરમાર.

મિલનની તડપ

દરરોજ અડધા કલાકની,
વાતમાં દોસ્તી વધી ગઇ,

દોસ્ત તારી યાદમાં હવે તો,
લાગે કે રાત પણ વધી ગઇ.

હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,
આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.

જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,
ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,
તારા મિલનની તડપ વધી ગઇ.

બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?
કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ.

લાગે છે ‘કાનુડા’ હવે તો,
તારી અહેમિયત ખુદાથી પણ વધી ગઇ.

-જહાનવી પટેલ.
મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને -
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

- મનોજ ખંડેરિયા.

ગઝલ

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.

‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

– ચંદ્રેશ મકવાણા.

Friday, December 16, 2011

હાલત દિલની સમજાવવી બહું મુશ્કેલ છે,
મારા બેસુમાર દર્દોનો તારે ઇલાજ કરવો પડે છે
જાણે અજાણ્યે કેટલી યે ભુલો થઇ ગઇ છે,
છંતા પણ તારા પાસે એકરાર કરવો પડે છે

એક પળ જિંદગીની જિંદગીથી દુર થતી ગઇ,
મિલન કાજે તારો જ આશરો માંગવો પડે છે
પ્રેમને એ જ સમજે છે જેને ઠોકરો ખાધી છે,
ફરી ઉભા થવા માટે તારો સહારો માંગવો પડે છે

આંખો ભારી લાગે છે જાગવાની કોશિશ કરી છે
જિંદગીને પણ તારો શ્વાસ ઉધાર માંગવો પડે છે
મુજ વ્યથા અને વેદના તારા તક સિમિત છે,
પીડાથી પર થવાં સ્મિતનો સહારો માંગવો પડે છે

રહી જશે એક ઇચ્છા અધુરી જાતી જિંદગીએ,
જીવવા માટે પણ તારે અધિકાર આપવો પડે છે
નથી અમૃત કે મયની આશ હવે જિંદગીમાં
તારે હાથે જે મળે એ નશો કબુલ કરવો પડે છે

‘વ્હાલી’ભલે થઇ જાય આપણુ મિલન આ જન્મમાં
રાધા હોય રૂપાળી તોયે શ્યામને કબૂલ કરવો પડે છે

(નરેશ કે. ડૉડીયા)..

Sunday, December 11, 2011

એ અને હું

મારી કવીતા એજ મારું કથન છે,
મારી તો ચાદર જ મારું કફન છે….

લોકો મુજબ મારું ખરાબ ચાલ-ચલન છે,
આ બદનામ પણ કોઇકની આંખનું રતન છે…

રાહ મારી જોવા એના ક્યાં તરસ્યા નયન છે?
જીવનભર એની યાદો નું મે કર્યું જતન છે…

એમના આંગણે ખુશીઓ નું ખીલતું ચમન છે,
મને તો કરે ભાગ્ય દુર થી જ નમન છે…

તરત કર્યો છે અમલ કે જેવા મળ્યા હુકમ છે,
વળી દોષી મને ગણીને ગુજાર્યા ઘણા સીતમ છે…

મારો અને એનો સ્વભાવ જરા વીષમ છે,
એ કરે જુલમ પણ પ્રેમ મારો ધરમ છે….

- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત.

આરઝૂ

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !

હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.

જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.

દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.

બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.

જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !

યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.

સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !

– આબિદ ભટ્ટ.