Tuesday, April 08, 2008

ખાલીપાથી ભરેલું ઘર

વરસાદ જેમ આવીને
તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
નેવાં-શી પાંપણ પરથી યાદોનાં ટીંપા
હજુય ટપડે.

જતાં જતાં ઘરમાં ઊભી થાંભલીએ એનો
જરાક અમથો સ્પર્શ થવાથી
અણુ-અણુમાં અતીતની
ભીનાશ ફરીથી પ્રસરેલી
ને એકસામટી પાંચ-સાત કૂંપળ
થાંભલીએ ફૂટેલી તે હજીય આંખને ખટકે.

ફળિયાની જાજમમાં તેઓ
પગલાંના પંખીઓની
ભાવ્યો પાડીને જતાં રહ્યાં
ને પંખીઓ તો
ફિક્કું ફિક્કું હજુય ટહુકે.

ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
એ જતાં રહ્યાં
ભીંસાતી ભીંતો પંખી થઇને
ક્યાંય ઊડી જવાને તલપે…


-અરવિંદ ભટ્ટ.

તે ગઝલ

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

- ઘાયલ

Tuesday, April 01, 2008

હેલે ચઢી તમારી યાદ

હેલે ચઢી તમારી યાદ

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહુક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.

કલબલ કલબલ શોરમાં ઝુલ્યા અમે
લઈ દીલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દીવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ.

- રમેશ પટેલ(આકાશદીપ)