અધિક્તર આંખમાં તોફાન જોયાં છે
અને,એ આંખ આડા કાન જોયાં છે !
ખુલાસા ક્યાં કરે છે કોઈ,ભીતરનાં ?
ઉપરછલ્લાં અધુરાં જ્ઞાન જોયાં છે
નથી રહી માતબર સંખ્યા,કબૂલું છું
નહીંતર,દોસ્ત જીગરજાન જોયાં છે !
હકીકત સ્પષ્ટ થઈ કે,ક્યાંક છે ઈશ્વર
અમે આ જ્યારથી ઇન્સાન જોયાં છે !
વિકસતાં હોય છે સંબંધ,આડશ લઇ
છતાં જાહેરમાં,અન્જાન જોયાં છે !
અલગ છે કે,નથી પૂરાં થયાં સઘળાં
અમે પણ સ્વપ્ન,જાજરમાન જોયાં છે !
નથી શીખતાં મનુષ્યો ભૂલમાંથી કઈં
ઘણાનાં તૂટતાં ગુમાન જોયાં છે !
-ડૉ.મહેશ રાવલ
No comments:
Post a Comment