Sunday, November 25, 2007

પ્રણયને આંધળો કહેવાય છે

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
તું નયન સામે નથી, તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે
કોઇને એક વાર જોયા બાદ, આવું થાય છે?

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે
શોધમાં નીકળું છું ત્યારે જ કેમ એ સંતાય છે

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.


-બરકત વિરાણી “બેફામ”

No comments: