Sunday, October 29, 2006

રંગ રાખ્યો છે.

થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.

થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.

મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.

મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.

હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.

રંગથી પર છે મૌન મારું? રઇશ?
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

-રઈશ મણિયાર.

No comments: