મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.
જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.
કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.
કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.
કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.
‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.
– ચંદ્રેશ મકવાણા.
No comments:
Post a Comment