Friday, December 29, 2006

તને ખોટું જો લાગે તો હું શું કરું?

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો. તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

- હિતેન આનંદપરા

No comments: