નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નીંદાય છે રસ્તો.
પ્રણયના પંથ પર ક્યારેક લહેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળરૂપે લહેરાય છે રસ્તો.
નહિતર ખીણમાં એ સોંસરો આવી નહિ પડતે,
મુસાફરને શું દેવો સોષ, ઠોકર ખાય છે રસ્તો !.
મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો.
ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની;
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો.
વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો.
‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત એ હકીકત છે;
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’.
No comments:
Post a Comment