Thursday, November 09, 2006

મારા પ્રેમમાં

મારા પ્રેમમાં વિલંબિત લય છે,
પ્રિયજન, એનો તમને ભય છે ?

મારા પ્રેમમાં ન સમુદ્રતટના તરંગની દ્રુત ગતિ,
ન એના જેવો કો’ ભાવાવેશ ભૂમિ પ્રતિ,
ન એના જેવો કોઈ ઉન્માદ કે ઉદ્રેક,
ન એના જેવો આવેગનો કો’ અતિરેક,
ન એના જેવો ભરતીનો કો’ રઘવાટ,
ન એના જેવો તલસાટ કે ઘુઘવાટ;
મારા પ્રેમમાં ન વસંતનું કે એના વિલાસનું વય છે,
પ્રિયજન, એનો તમને ભય છે ?

મારા પ્રેમમાં છે મધ્યસમુદ્રના વમળની વક્ર ગતિ,
એથી એમાં નથી કોઈ તટ પ્રતિ રતિ,
એ તો એની જેમ જ્યાં છે ત્યાં જ ઘૂમ્યા કરે,
ને એની જેમ દિશાશૂન્ય ઝઝૂમ્યા કરે,
મારો પ્રેમ સમુદ્રતલે વિરમી જશે ?
ને અનંત મૌનમાં, મૃત્યુમાં શમી જશે ?
મારા પ્રેમમાં એવો કોઈ શાપ છે કે અંતે એનો ક્ષય છે ?
પ્રિયજન, એનો તમને ભય છે ?

-નિરંજન ભગત

No comments: