Wednesday, September 09, 2009

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે,
ઘરઘર રમવા બેસું તો વરસોના વરસો વીતે.

ડાળો ગૂંથી છાંયો કરતાં પરિવારો જ્યાં વસતાં,
તડકો ભરવા બેસું તો વરસોના વરસો વીતે.

દરિયા સાથે દુશ્મની ને સૂરજના ઘર મોઘમ,
વાદળ બનવા બેસું તો વરસોના વરસો વીતે.

જીવતર ઘેલું એવું કે રડવાની રસમો ભૂલ્યો,
અવસર ગણવા બેસું તો વરસોના વરસો વીતે.

નકલી સિક્કા ઉછળતા લાગે કિસ્મત ચમક્યું,
ધરપત ધરવા બેસું તો વરસોના વરસો વીતે.

‘કીર્તિ’નો લીસ્સો ઢોળાવ પટ દઈ નીચે લાવે,
પગથી ચણવા બેસું તો વરસોના વરસો વીતે.

- કીર્તિકાન્ત પુરોહિત

No comments: