Wednesday, September 09, 2009

મારું ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.


-ગની દહીંવાલા.

આંગણે ભીના ચરણ મૂકી ગયું

આંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું

- રમણીક સોમેશ્વર

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે,
ઘરઘર રમવા બેસું તો વરસોના વરસો વીતે.

ડાળો ગૂંથી છાંયો કરતાં પરિવારો જ્યાં વસતાં,
તડકો ભરવા બેસું તો વરસોના વરસો વીતે.

દરિયા સાથે દુશ્મની ને સૂરજના ઘર મોઘમ,
વાદળ બનવા બેસું તો વરસોના વરસો વીતે.

જીવતર ઘેલું એવું કે રડવાની રસમો ભૂલ્યો,
અવસર ગણવા બેસું તો વરસોના વરસો વીતે.

નકલી સિક્કા ઉછળતા લાગે કિસ્મત ચમક્યું,
ધરપત ધરવા બેસું તો વરસોના વરસો વીતે.

‘કીર્તિ’નો લીસ્સો ઢોળાવ પટ દઈ નીચે લાવે,
પગથી ચણવા બેસું તો વરસોના વરસો વીતે.

- કીર્તિકાન્ત પુરોહિત

આપ!

આકાશમાંથી અવતરેલ આપ્સરા છો આપ,
કોઇના નયનના પ્રિત છો આપ,
શ્રુંગારને સાજે તેવા મિત છો આપ,
કેમ કરી કહુ આપને કે,
દિલના વાધ્યોને સાજે એવા ગીત છો આપ!

શ્રી ભાસ્કરના પ્રથમ કિરણને દિપાવો છો આપ,
શ્રુષ્ટિમાં નવચૈતન્ય પ્રગટાવો છો આપ,
પક્ષીઓના ટહુકામાં રણકો છો આપ,
કેમ કરી કહુ આપને કે,
પતંગિયા જેવુ મોહક વ્યક્તિત્વ ધરાવો છો આપ!

કુદરતને મન સુંદરતાની કલ્પના છો આપ,
પુષ્પોને અર્પો છો સોડમ આપ,
કેટલા સુંદર છો આપ,
કેમ કરી કહુ આપને કે,
રાજકન્યાઓ પણ શરમાય છે, જ્યારે દર્શન આપો છો આપ!

આછી પીળી, રાતી રૂપેરી સંધ્યાના રંગો છો આપ,
કસબીએ બનાવેલ દુનિયાની પ્રેરણા છો આપ,
ટગર-ટગર રાહ જોઉ છું આપની,
કેમ કરી કહુ આપને કે,
મારા પ્રેમને તો વ્યાખ્યાયિત કરો છો માત્રને માત્ર આપ!

ઇશ્વરના ખોળે ખીલેલ જળકમળ છો આપ,
બાળક્ને બાળપણ બતાવતુ ચૈતન્ય છો આપ,
હાસ્યને પણ હસાવતુ પરિબળ છો આપ,
કેમ કરી કહુ આપને કે,
આપની આ મોહક અદાઓ પર દિલ લુટાવે સો-સો તાજ!

ચંદ્રકળાઓની ઉપમાઓ છે આપને કાજ,
દરિયાકાંઠે વહેતા સુર છો આપ,
નાવડી પર એ પ્રેમની અભિભુતિ,
કેમ કરી કહુ આપને કે,
અધુરો છે મારો આ જન્મારો, જો સાથ ના હો’ આપ!

- રાહિ પરીખ

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

-સૈફ પાલનપુરી