Sunday, April 26, 2009

મુંબઇ

રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની -
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે -
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…

-ચંદ્રકાંત બક્ષી.

1 comment:

BHARAT SUCHAK said...

khubaj sunder