Wednesday, October 29, 2008

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.

વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.

ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.

હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.

સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી,
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.

સિલકમાં હોય ભલે પૂરતી છતાં “ઘાયલ”
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.

- અમૃત ‘ઘાયલ’

No comments: