Wednesday, June 18, 2008

જીવવું શું કોઇ રડનારા વગર ?

જીવવું શું કોઇ રડનારા વગર?
શ્વાસ, માંડો ચાલવા મારા વગર.

મેઘ શાણા થઇ વરસશો મા હવે,
ઓણ ચોમાસું ભલું ગારા વગર.

ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
આંગણું સૂનું છે ભણકારા વગર.

કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.

ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
ને નથી ઉદ્ધાર પિંજારા વગર.

ચાંદની ખીલી રહી પૂરબહારમાં,
રાત સંતાણી છે અંધારા વગર.

કોક વીજ કે આગિયાની રાહમાં,
આયખું વીત્યું છે ઝબકારા વગર.

શબ્દ લુખ્ખા થઇ ગળે અટકે હવે,
ને ભજન સોતરાય એકતારા વગર.

આવવાનું જો બને તો આવજે,
કોઇ એંધાણી કે અણસારા વગર.

-મીનાક્ષી ચંદારાણા.

No comments: