Sunday, September 23, 2007

દુનિયામાં હવે એના વિના

દુનિયામાં હવે એના વિના
ક્યાંયે મન લાગતું નથી,
લાગે છે જેવું બહાર ખુશ, અંદર લાગતું નથી.
જાણે છે હૃદય કે આ સ્વપ્ન છે પરંતું,
મને છે મારું કે જ હકીકત માનતું નથી.
કરે છે અહીં સચ્ચિદાનંદ ઈશની ખૂબ વાતો,
પૂર્ણ રીતે ઈશ્વરને દુનિયામાં કોઈ જાણતું નથી.
પ્રેમ-પ્રેમ તો કરે છે જગમાં સૌ કોઈ, દોસ્તો !
અફસોસ, પ્રણયને સહુ કોઈ નિભાવતું નથી.
ગમે છે સૌ કોઈથી સુંદરતા આ જગ મહીં,
જગને અહીં કોઈ 'જન્નત' બનાવતું નથી.
'સાથ આપશે જિંદગીમાં સદા'
એમ કહે છે સૌ કોઈ,
જીવનસફરમાં સાથ સદા કોઈ આપતું નથી.
કરું છું દિલની વાત સદા, ગઝલમાં 'ગુલશન'
ચાહતની રીત એને કેમ કોઈ સમજાવતું નથી..


દિલીપકુમાર પ્રણામી

મૃત્યુ ન કહો.

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.


- હરીન્દ્ર દવે

તમન્ના

ફરીવાર તમારા દિલમાં જીવવાની તમન્ના જાગી છે
ફરીવાર દિલમાં તમને પામવાની લગની લાગી છે

સફરમાં હતા સાથે, તેઓ ઘણાં આગળ પહોચ્યા છે
અમે ખુબ ધીમે ચાલ્યા તેથી મંઝિલ ઘણી આઘી છે

સાથ તમારો જ્યારે હોય, ત્યારે જીંદગી એક પળની છે
અને આમ જોઇએ તો એકલતાની એકપળ પણ ઝાઝી છે

‘રાજીવ’નું સ્વપ્ન હતું, તને સુખ મળે જીવનભર
તેથી જ તેણે, તારી સાથે, ઘણી ખુશીને ત્યાગી છે

- રાજીવ

Saturday, September 22, 2007

કાયમ રહેશે.

મને એવું હતું કે હાથ તારો મારા હાથમાં રહેશે,
ફક્ત બે ચાર દિવસ નહીં, તુ કાયમ શ્વાસમાં રહેશે.

તારી સાથે ગાળેલી હર ક્ષણ યાદ મને કાયમ રહેશે.
તારા પ્રેમના ઘૂંટ ઉતરતા કાયમ રહેશે.

તારી સાથે ભરેલા ડગ મને યાદ પ્રૂરા રહેશે,
તારા પગલાંની છાપ મારા દીલ પર કાયમ રહેશે.

-- શૈલ્ય
(૨૦-૯-૨૦૦૭)

Thursday, September 20, 2007

ગઝલ - હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.


- હિતેન આનંદપરા

Saturday, September 08, 2007

સમજાવી નથી શકતો

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.


ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.


ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.


તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.


તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.


બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.


– ‘મરીઝ’

લાગે છે....

મળ્યા નથી આપણે કદી,
પણ મળ્યા હોય તેવું લાગે છે.
તને જોયા વગર પણ,
જોઈ હોય તેવું લાગે છે.
નથી સંબંધ આપણી વચ્ચે છતાં,
ગાઢ સંબંધ જેવું લાગે છે.
તું છે દૂર દૂર ઘણી છતાં,
પાસ હોય તેવું લાગે છે.
મારા મનમાં આ તારા વિચારો
યાદો જ તારી લાગે છે.
આ જે કંઈ પણ છે આપણી વચ્ચે,
મને તો પ્રેમ જેવું લાગે છે.
તને શું લાગે છે ???

-ધવલ સોની

Thursday, September 06, 2007

ગોકુલની ગલીઓ

ગોકુલની ગલીઓ માં શ્યામ થયો બહાવરો ,
રાધા વિના રહેવા નહીં એને મહાવરો,

ગોપ - ગોપી ને વિનવે ,
પશુ - પંખી ને વિનવે ,

કોઈક તો આપો મને રાધાનો અણસારો ,

મટકી નહી ફોડું, કહી ગ્વાલણને રીઝવે,
માખણ નહી ચોરું, કહી માં ને મનાવે,

બસ કોઈ આપો મને રાધાનો અણસારો ,

ગાયો ને મૂકી રેઢી,
વાંસળી ને મૂકી મેડી,

જમનાની રેતમાં રાધાના પગલાં શોધવા શ્યામ નિસર્યો,
આજ હવામાં પણ નથી રાધા તારા નામનો વર્તારો,

ન જાણ્યું શ્યામે , આજ વ્હાલી રાધા કેમ રિસાઈ ?
રાધાની રાહમાં, આજ શ્યામની આંખડી ભરાઈ.

જગ જાણે શ્યામ ના મોહમાં રાધા દિવાની ,
પણ આજે રાધાની રાહમાં શ્યામ દિવાનો.

નંદકુંવરે જાણ્યું કે રાધાનો પ્રેમ છે પૂરો,
પણ શ્યામ, તું જ છે રાધા વિના અધૂરો.....

-- શૈલ્ય

Monday, September 03, 2007

અલવિદા...!!!

છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે...
નશો પ્રેમ નો કેવો ઢોળાયો... અને..મયકદા બની ગયા તમે...!!!

હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ...
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે...

સબંધોની દિવાલો ખંડેર થઈ...તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી... પછી જુદા થઈ ગયા તમે..

છે આ બેહાલ અમારા , તમારી જ છે આ ભેટ - સોગાદ ...!
જોઈ મુખ અમારુ પછી શાને...પ્રિયે ગદગદા થઈ ગયા તમે..

જનાજો 'અંકુર' નો રોકી પછી એ રડતાં એટલું જ કરગર્યા...
અલવિદા કહ્યુ હતુ અમે અમસ્તુ... ને... દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..

- હસમુખ ધરોડ 'અંકુર'