બધાને કરી દંડવત્ એ નમે છે
મઝા બહુ પડે જીન્સમાં જો રમે છે
દિવસ, રાત, સાંજે, સવારે ગમે છે
મને મારી ભાષા વધારે ગમે છે.
અનુવાદ, સર્જન, અનુસર્જનો પણ
મમત કોઈ પર નહીં ને મમતાનું સગપણ
જીવન એક એના સહારે ગમે છે
જમું એને હું ને, મને એ જમે છે
રડું તો એ આવીને છાનોય રાખે
રહે કાને, જીભે અને હોય આંખે
મનોબળના મક્કમ ઇશારે ગમે છે
તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે
બળુકી, નિખાલસ, સહજ, ઔપચારિક
અનુરૂપ સૌને સદા પારિવારીક
નકારે ગમે છે, હકારે ગમે છે
વગર એના જીવન સતત આથમે છે
ન ખપશે કદાપી તમારા ખુલાસા
જનમથી મરણ સુધી જીવે છે ભાષા
પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે
વિધાતા ને માતા પછીના ક્રમે છે
મને મારી ભાષા વધારે ગમે છે
- અંકિત ત્રિવેદી