ઘર છોડી ને ઉંબર ચાલે
થઈ દિવાલો અધ્ધર તાલે
રાતે આવી પુછે ચાંદો
કેવો સૂરજ ઉગશે કાલે
ચ્હેરે લાલી કાયમ કરવા
એક તમાચો ચોડ્યો ગાલે
ખૂબી આ પણ જોવા જેવી
પીવે છે પણ , ખાલી પ્યાલે
પડછાયાને પ્હોંચી વળવા
તડકો કરશે જાત હવાલે
શોખીન હતો શબ્દોનો જે
મૌન ધરી ફોટામાં મ્હાલે
વાંચી લેજો ગઝલો મારી-
ખોટ કદી જો તમને સાલે
ઘટનાઓ સૌ કિસ્સો થઈ ગૈ
'શિતલ' ના બસ એક સવાલે
--શિતલ જોશી