Wednesday, June 03, 2009

યાદના છાંટા

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મકતા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ

-આદિલ મનસૂરી

રામનાં બોર

મ્યુઝિયમમાં
શબરીએ રામની માટે
ચાખેલાં થોડાં
બોર હતાં.
નીચે તકતીમાં
લખેલું:
‘શબરીએ ચાખેલાં બોર’.
બોર ઉપર
મેં વાંચ્યું:
‘મેઇડ ઇન ચાઇના’!

- સુરેશ ઝવેરી

એક છોકરી

એક છોકરી ફરકી ગઈ ને વાવાઝોડું થ્યું'તું,
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.


એક છોકરી બની છોકરી સૌને ઊગી મૂછ,
એ જ છોકરી નથી છોકરી છે ગીતોનો ગૂછ.

એક છોકરી ટહુકી ગઈને સૌનું નભ વરસ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.

છાતીના પંચાંગે છલકે ચોઘડિયાઓ લાભ,
સોળ વરસ તો પવનપાંદડી ઓછું પડતું આભ.

એક છોકરી મલકી ગઈને મહેકનું મોં બગડ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.


એનું સરનામું થાવાના, સૌને કેવા કોડ,
રાજમાર્ગ સમજીને બેઠા, સૌ પોતાને રોડ.

એક છોકરી વરસી નહીં ને વરસ મોળું ગ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.

-હરદ્વાર ગોસ્વામી.

તૂટતા સંબંધની કેવી મઝા ?

તૂટતા સંબંધની કેવી મઝા ?
આવતી ઢીંચણ સુધી કાળી હવા

ધોમ તડકાના સિતમ પર છે સિતમ
ઝાંઝવાની જોઈ લે તું અવદશા

આ અરીસે થી નીકળવું શી રીતે ?
ક્યાં બીજે છે છુપાવાની જગા ?

તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો
નખ વગરના શું કરું હું આંગળાં ?

કેમ ધ્રુજો છો તમે “ઈર્શાદજી”
કોન દરવાજે પે ઐસા હૈ ખડા ?

-ચિનુ મોદી (ઈર્શાદ