Tuesday, September 30, 2008

લો, ફરી દિલમાં બેકરારી છે

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

- મિર્ઝા ગાલિબ

ક્યાં મળે?

આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

- યામિની ગૌરાંગ વ્યાસ.

કેમ ભૂલી ગયા? દટાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.


- અમૃત ‘ઘાયલ’

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

- વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

Tuesday, September 16, 2008

હું અને મારી ગઝલ

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

- હરજીવન દાફડા

એ શહેર

હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.

આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું -
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.

નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.

- પ્રીતિ સેનગુપ્તા

પુષ્પ વિષે…

લખાવટ સુઘડ ને લચકદાર છે,
સુમન પ્રકૃતિના લલિત અક્ષરો,
ભ્રમર જાણે ખસતા અનુસ્વાર છે !

*

ભ્રમર ને પતંગાઓ મોડા પડ્યા,
ખતમ રાતભરમાં જ થઈ ગઈ મહેક,
હવાના ફૂલો પર દરોડા પડ્યા !

*

ચમનમાં છે મેળાવડાની ઝલક
ચમેલી, જૂઈ, કેતકી, ગુલછડી,
હલો ! આપનું નામ શું ? શું અટક ?

- હેમેન શાહ

કેવી લડત છે ?

સત છે અસત છે
સરતું જગત છે

કેવી લડત છે
હું છું જગત છે

દિલની લડત પર
સૌ એકમત છે

ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે

તારાં નયનમાં
શી આવડત છે

શાયરનું સ્વપ્નું
શાયરની લત છે

દિલ પાળી શકશે
દિલની શરત છે

મંઝિલ બરાબર
રસ્તો ગલત છે

સર્જન વિસર્જન
જાણે રમત છે

- શેખાદમ આબુવાલા