Monday, February 18, 2008

એક સવારે

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

-સુન્દરમ્.

પ્રેમ છે

પ્રેમ છે


શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, February 13, 2008

તારી યાદની મોસમ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

-શ્યામ સાધુ

Tuesday, February 12, 2008

જાત તરબોળી તમે

લાગણી દિલમાં સતત ઘોળી તમે,
પણ તમન્નાની કરી હોળી તમે.

ભૂલવાનાં વેણને જૂટલાવવા,
મોકલાવી યાદની ટોળી તમે.

‘લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.

ભૂલવા જેવી ને જે મુફલિસ હતી,
વાત શાને આમ વંટોળી તમે?

દમ હશે, કળ પણ હશે એમાં જરૂર,
અંતરે મુજ જાત તરબોળી તમે.

જિન્દગીભર જાગરણ કરશે હૃદય,
કેમ સૂતી ઊર્મિ ઢંઢોળી તમે?

-’ઊર્મિ’

Wednesday, February 06, 2008

પ્રેમસભર મુક્તકો

કોઇનોય પ્રેમ ક્યારેય પણ ઓછો હોતો નથી
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે


-હરીન્દ્ર દવે

પ્રેમ હ્સ્વ અને વિસ્મરણ કેટલૂં દીર્ઘ હોય છે!

- અનુવાદઃ જગદીશ જોશી

તમારી મુંગી આંખોમાં જવાબોના જવાબો છે
છતાં બેચેન થૈને કેટલા હૂં પ્રશ્ન પુંછું છું
મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું
તમે રડતાં નથી તો પણ તમારી આંખ લુંછું છું


-શેખાદમ આબુવાલા

યારી, ગુલામી, શું કરું તારી? સનમ!
ગાલે ચુમું કે પાનીએ તુંને સનમ!
મેંદી કદમની જોઇ ના પૂરી કદી!
આવી ન આવી એમ શું થાતી? સનમ!

- કલાપી

છેદાય છે

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્ર્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે


- નયન દેસાઈ.

પ્રણય મુકતકો

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઇએ

- મુકેશ જોશી

જગતના ભેદ ઢાંકે છે કોઇ, કોઇ ઉઘાડે છે
ઘરે છે હુસ્ન પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે


- બરકત વીરાણી ‘બેફામ’

બની જઉં પવન, વૃક્ષમાં શોધું શરણું
સુખે ઝુલતી આ લતાઓને પરણું


- શોભિત દેસાઇ

હવે પ્રિતની રીત સમજાઇ છે કંઇ
હવે રીતસરની મજા લઇ રહ્યો છુ
હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ’
કબરમાંયે ઘરની મજા લઇ રહ્યો છું


- ‘ઘાયલ’

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાંની ડાળ મીઠી થઇ ગઇ


- અદમ ટંકારવી