Thursday, October 11, 2007

કવિતા-'આદિલ' મન્સૂરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.


- ‘આદિલ’ મન્સૂરી

"તારા વિના"

પળ પળ ઝુરીએ અમે તારા વિના,
છતાં પણ જીવીએ અમે તારા વિના.

વિચારો, આકાશ કેવું લાગે તારા વિના?
એવો અન્ધકાર જીવનમા હવે તારા વિના.

જીવન ક્યાં હવે આ વિતશે તારા વિના?
પળ બે પળ છે જો મુશ્કિલ.તારા વિના.

ચડતી નથી વેલ સહારા વિના,
મળશે ક્યાંથી સરિતા સાગર ને ધારા વિના.

સળગે છે આગ ક્યાંય અંગાર વિના?
અમે તોય બળીએ ‘રોશની’ તારા વિના.


-રશીદા દામાણી

ઉમર ખય્યામની ગઝલ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

Wednesday, October 10, 2007

રહી ગયા

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.


- ‘આદિલ’

Friday, October 05, 2007

નામ લખી દઉં

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!


અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…


વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં


તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!


-સુરેશ દલાલ

Tuesday, October 02, 2007

વાર નથી લાગતી

મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.


- આતિષ પટેલ ‘લક્ષ્ય’